
જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના.CM જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ મેળવવાની અંતિમ તક.રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ સુધી http://gssyguj.in વેબસાઈટ પર અરજી કરી શકાશે.શિક્ષણ વિભાગ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા માટે અમલી ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના‘ અંતર્ગત વર્ષ ૨૦૨૫-૨૬ માટેની ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા પરંતુ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે પોર્ટલ પુન: ખુલ્લું મૂકવામાં આવ્યું છે.
જે વિદ્યાર્થીઓએ તા. ૧૨ એપ્રિલ ૨૦૨૫ના રોજ લેવામાં આવેલી પરીક્ષા આપી હોય, પ્રથમ કામચલાઉ મેરીટ યાદીમાં સમાવેશ થયો હોય, પરંતુ પ્રથમ ફાઈનલ મેરીટ યાદીમાં જે વિદ્યાર્થીઓને સમાવેશ થયો નથી અને રજીસ્ટ્રેશન કે ચોઈસ ફીલિંગની કામગીરી બાકી રહી ગઈ હોય તેવા વિદ્યાર્થીઓ આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવી શકે છે. શિક્ષણ વિભાગના આ ર્નિણયથી રાજ્યના અનેક તેજસ્વી વિદ્યાર્થીઓને આર્થિક સહાય મેળવવાની વધુ એક તક પ્રાપ્ત થશે. ‘મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કુલ ૨૫,૦૦૦ તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનું લક્ષ્ય છે, જેમાં ખાલી રહેલી બેઠકોમાં આ પ્રક્રિયા દ્વારા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે. આગામી તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ સુધી http://gssyguj.in વેબસાઈટ પર ઓનલાઈન અરજી કરી શકાશે પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓએ નિયત સમયમર્યાદામાં વેબસાઈટ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી જરૂરી આધાર-પુરાવા અપલોડ કરવાના રહેશે. રજીસ્ટ્રેશન માટેની વિગતવાર માર્ગદર્શિકા અને સૂચનાઓ વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ અંગેની અપડેટ્સ મેળવવા માટે સમયાંતરે પોર્ટલની મુલાકાત લેવાની રહેશે તેમ શિક્ષણ વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.




