
રાજકોટમાં મુકેશ અંબાણીની મોટી જાહેરાત.રિલાયન્સ ગુજરાતમાં ૫ વર્ષમાં ૭ લાખ કરોડનું રોકાણ કરશે.મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ એક ગુજરાતી કંપની છે, ગુજરાત અમારી આત્મા છે, ગુજરાત અમારું શરીર છે.રાજકોટમાં ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) નું આયોજન કરવામાં આવ્યું છે. આ કોન્ફરન્સનું પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આજે રવિવાર (૧૧ જાન્યુઆરી)એ ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે દેશ-વિદેશમાંથી મોટા-મોટા ઉદ્યોગપતિઓ રાજકોટ પહોંચ્યા હતા તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણી પણ આ સમિટમાં ભાગ લેવા માટે રાજકોટ પહોંચ્યા હતા.વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સના ઉદ્ધાટન દરમિયાન મંચ પરથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ ખૂબ જ પ્રેરણાદાયી વાતો કરી. પોતાની સ્પીચની શરૂઆત તેમણે “જય સોમનાથ” સાથે કરી. તેમણે કહ્યું કે, હું રાજકોટને સલામ કરું છું, તે ખરેખર ગુજરાતનું કિંગ છે. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાતના ૨૦ વર્ષ પછી ઐતિહાસિક શહેર એવા રાજકોટમાં રિજનલ વાઇબ્રન્ટમાં ભાગ લેવો એ મારા માટે ગર્વની વાત છે. હુંં સૌરાષ્ટ્રની ભૂમિને નમન કરું છું. મારા પૂજ્ય પિતા ધીરુભાઈ અંબાણી સૌરાષ્ટ્રની ધરતીના પુત્ર હતા અને તેમનો જન્મ ચોરવાડમાં થયો હતો.
મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ એક ગુજરાતી કંપની છે. ગુજરાત અમારી આત્મા છે, ગુજરાત અમારું શરીર છે. હું આજે તમારી સમક્ષ ૫ વચનો સાથે ઉભો છું. મુકેશ અંબાણીએ મોટી જાહેરાત કરતા કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં અમે ગુજરાતમાં ૩.૫ લાખ કરોડ રૂપિયાથી વધુ રોકાણ કર્યું છે. આજે હું ખુશીથી જણાવું છું કે આગામી ૫ વર્ષમાં અમે આ રોકાણ બમણું એટલે ૭ લાખ કરોડ રૂપિયા સુધી લઈ જઈશું.આ સાથે જ તેમણે જણાવ્યું કે , જામનગરમાં વર્લ્ડની સૌથી મોટી ક્લિન એનર્જી ઇકો સિસ્ટમ ઉભી કરી રહ્યા છીએ. ગુજરાતને દેશનું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું પોયોનિયર બનાવીશું. જામનગરમાં અમે ભારતનું સૌથી મોટું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) તૈયાર ડેટા સેન્ટર બનાવી રહ્યા છીએ. આનો એકમાત્ર ઉદ્દેશ છે – દરેક ભારતીયને સસ્તું છૈં આપવાનો છે. જિયો ટૂંક સમયમાં ભારત માટે બનેલું, ભારતના લોકો માટે બનેલું એક નવું પીપલ-ફર્સ્ટ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. આ પ્લેટફોર્મ દ્વારા ગુજરાતથી શરૂ કરીને દરેક નાગરિક પોતાની ભાષામાં, પોતાના ફોન પર રોજ AI ની સેવા મેળવી શકશે. આનાથી લોકો વધુ કાર્યક્ષમ અને ઉત્પાદક બનશે.
તેમણે કહ્યું કે, અમે દેશની ઓલિમ્પિક એમ્બિશનમાં સહભાગીદાર બનીશું. ૨૦૩૬ની ઓલિમ્પિક માટે ગુજરાત સરકારની સાથે મળીને નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સને મેનેજ કરીશું અને ભારતના ભાવિ ચેમ્પિયનને ટ્રેનિંગ આપીશું. કચ્છને લઈને તેમણે કહ્યું કે, કચ્છ ગ્લોબલ ક્લીન એનર્જીનું હબ બનશે.
વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવવાની જાહેરાત કરતા મુકેશ અંબાણીએ કહ્યું કે, અમે ગુજરાતના જામનગરમાં વર્લ્ડ ક્લાસ હોસ્પિટલ બનાવીશું.




