
સિમરનની નિયુક્તિ કઠોર મૂલ્યાંકન બાદ કરાઈ.૧૪૦થી વધુ પુરુષ જવાનોની ટુકડીનું નેતૃત્વ કરશે સિમરન.૨૬ જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથ પર થનારી પ્રજાસત્તાક દિવસની પરેડ એક ઐતિહાસિક પરિવર્તનની સાક્ષી બનશે.આ વર્ષે ૨૬ જાન્યુઆરીના રોજ કર્તવ્ય પથ પર થનારી પ્રજાસત્તાક દિવસની પરેડ એક ઐતિહાસિક પરિવર્તનની સાક્ષી બનશે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના ૨૬ વર્ષીય આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સિમરન બાલા ઇતિહાસમાં પ્રથમ વખત ૧૪૦થી વધુ પુરુષ જવાનોની ટુકડીનું નેતૃત્વ કરશે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરાની રહેવાસી સિમરન બાલા પોતાના જિલ્લાની પ્રથમ મહિલા છે, જેમની CRP માં ‘ગ્રૂપ A’ અધિકારી તરીકે નિયુક્તિ થઈ છે. તેમણે પોતાના પ્રથમ પ્રયાસમાં જ UPSC CAPFપરીક્ષા પાસ કરી અને ટોપ ૧૦૦મા સ્થાન મેળવ્યું હતું.
સિમરનની નિયુક્તિ ઘણા રાઉન્ડના કઠોર મૂલ્યાંકન અને પ્રેક્ટિસ પછી કરવામાં આવી છે. તે છેલ્લા એક મહિનાથી સખત પ્રેક્ટિસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, ટીમ સંકલન, ડ્રીલમાં સટીકતા અને કમાન્ડના અમલીકરણ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સિમરનના મતે આ અવસર તેના માટે સન્માનની સાથે-સાથે એક મોટી જવાબદારી પણ છે.
સિમરનની પહેલી ઓપરેશનલ પોસ્ટિંગ છત્તીસગઢના બસ્તરિયા બટાલિયનમાં થઈ હતી, જે ડાબેરી ઉગ્રવાદ (ન્ઉઈ)થી પ્રભાવિત વિસ્તાર હતો. ત્યાં તેમના સીનિયર અધિકારીઓએ તેમને એક શાંત અને નિર્ણાયક અધિકારી તરીકે ઓળખી, જેનો ફાયદો તેમને આ પરેડના નેતૃત્વ માટે મળ્યો.
સિમરન બાલાનું માનવું છે કે આજના યુગમાં જવાબદારીઓ જેન્ડરના આધારે નહીં પરંતુ મેરિટના આધારે આપવામાં આવે છે. તેમણે કાશ્મીરની દીકરીઓ માટે એક ખાસ મેસેજ આપતાં કહ્યું કે, ‘પોતાના પર વિશ્વાસ રાખો, મોટા સપના જુઓ અને સખત મહેનત કરો. આજે તકો યોગ્યતા પર આધારિત છે. આપણા દેશને દરેક ક્ષેત્રમાં સક્ષમ અને પ્રતિબદ્ધ મહિલાઓની જરૂર છે.‘
CRPF અધિકારીઓનું કહેવું છે કે સિમરનની નિયુક્તિ દળની અંદર બદલાતા નેતૃત્વના દાખલાને પ્રતિબિંબિત કરે છે. હવે મહિલા અધિકારીઓને માત્ર સહાયક ભૂમિકાઓ સુધી મર્યાદિત ન રાખીને તેમને ફ્રન્ટલાઇન અને નેતૃત્વની મુખ્ય જવાબદારીઓમાં સામેલ કરવામાં આવી રહી છે. જ્યારે સિમરન બાલા ૭૭મા પ્રજાસત્તાક દિવસે સંપૂર્ણ પુરુષ જવાનોની ટુકડીનું નેતૃત્વ કરશે, ત્યારે તે ન માત્ર એક પરેડ હશે, પરંતુ ભારતની સુરક્ષા તાકાતમાં બદલાતા કમાન્ડ માળખાનું એક સશક્ત પ્રતીક પણ હશે.




