
આકાશની બંને કિડની ફેલ થઈ ચૂકી છે.ક્રિકેટર આકાશ બિશ્વાસ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.બંગાળના કોચ લક્ષ્મી રતન શુક્લાએ સારવાર માટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને આર્થિક મદદ કરવા અપીલ કરીબંગાળ ક્રિકેટમાંથી એક ખૂબ જ દુ:ખદ અને સંવેદનશીલ સમાચાર સામે આવ્યા છે. યુવા ક્રિકેટર આકાશ બિશ્વાસ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. તેની બંને કિડની ફેલ ગયા બાદ ડોક્ટરોએ તેને તાત્કાલિક કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની સલાહ આપી છે, પરંતુ સારવારનો અતિશય ખર્ચ તેના પરિવાર માટે એક મોટો પડકાર બની ગયો છે.
બંગાળના કોચ અને પૂર્વ ભારતીય ક્રિકેટર લક્ષ્મી રતન શુક્લા આકાશના સમર્થનમાં આગળ આવ્યા છે. તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને અપીલ કરી છે કે તેઓ યુવા ખેલાડીનો જીવ બચાવવા માટે આ મામલે વ્યક્તિગત રીતે હસ્તક્ષેપ કરે. કાલીઘાટ સ્પોર્ટિંગ ક્લબ તરફથી રમનાર આકાશ લાંબા સમયથી ક્રોનિક કિડની રોગથી પીડાઈ રહ્યો છે.
ક્લબના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ હવે અત્યંત નાજુક બની ગઈ છે. અધિકારીના જણાવ્યા અનુસાર, આકાશની બંને કિડની કામ કરતી બંધ થઈ ગઈ છે. ડોક્ટરોએ સ્પષ્ટપણે કહ્યું છે કે ટ્રાન્સપ્લાન્ટ એકમાત્ર વિકલ્પ છે. તેની માતાની કિડની એક મેચ છે. જાેકે, સર્જરી અને સારવારનો ખર્ચ ખૂબ જ વધારે છે, જે તેના પરિવારને પોષાય તેમ નથી.
આ પહેલીવાર નથી જ્યારે લક્ષ્મી રતન શુક્લા આકાશ બિશ્વાસને મદદ કરવા આગળ આવ્યા હોય. લગભગ છ મહિના પહેલા તેમણે આકાશની સારવાર માટે એક લાખ રૂપિયાની નાણાકીય સહાય આપી હતી. આમ છતાં લાંબી સારવાર અને ડાયાલિસિસને કારણે ખર્ચ વધતો રહ્યો. ગુરુવારે આકાશ સોલ્ટ લેકમાં જાદવપુર યુનિવર્સિટીના બીજા કેમ્પસમાં બંગાળ ટીમના પ્રેક્ટિસ સેશન દરમિયાન શુક્લાને મળ્યો હતો. આ મુલાકાત પછી શુક્લાએ આ બાબતને ગંભીરતાથી લીધી અને મુખ્યમંત્રીને મદદ માટે અપીલ કરી છે.
લક્ષ્મી રતન શુક્લા આકાશ બિશ્વાસની સ્થિતિ અંગે ભાવુક દેખાયા હતા. શુક્લાએ કહ્યું, “આટલી નાની ઉંમરે આટલો પ્રતિભાશાળી ક્રિકેટર આમાંથી પસાર થઈ રહ્યો છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. આકાશ એક ફાઇટર છે. મને વિશ્વાસ છે કે તે આ બીમારીને દૂર કરીને મેદાનમાં પાછો ફરશે. પરંતુ આ માટે આપણે બધાએ તેની પડખે ઊભા રહેવાની જરૂર છે. હું દરેકને ખાસ કરીને વહીવટીતંત્ર અને ક્રિકેટ સાથે સંકળાયેલા લોકોને આગળ આવવા અને તેને મદદ કરવા અપીલ કરું છું. આ ફક્ત ખેલાડીના જીવનનો પ્રશ્ન નથી, પરંતુ માનવ જીવનનો પ્રશ્ન છે.”
બંગાળ ક્રિકેટ સમુદાય અને આકાશ બિશ્વાસના પરિવારને આશા છે કે સરકાર દ્વારા ટૂંક સમયમાં સકારાત્મક ર્નિણય લેવામાં આવશે, જેનાથી આ યુવા ખેલાડીને નવજીવન મળી શકે.




