
ભારત-પાક સહિત ૧૩ દેશોને નિમંત્રણ.બાંગ્લાદેશમાં ૧૭મીએ પ્રધાનમંત્રી પદના શપથ લેશે તારિક રહેમાન.વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યૂનુસ શપથ સમારોહને આંતરરાષ્ટ્રીય સ્વરૂપ આપવાની તૈયારીમાં છે.બાંગ્લાદેશમાં બીએનપી નેતા તારિક રહેમાન ૧૭ ફેબ્રુઆરીએ સાંજે પ્રધાનમંત્રી પદના શપથ લેશે. નવી કેબિનેટના શપથ સમારોહને લઈને તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે અને તેને મોટા કૂટનીતિક આયોજન તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે.
વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર પ્રોફેસર મોહમ્મદ યૂનુસે શપથ સમારોહમાં સામેલ થવા માટે ૧૩ દેશની સરકારોના પ્રમુખોને નિમંત્રણ મોકલ્યું છે. આ પગલું બાંગ્લાદેશની નવી સરકારની વિદેશ નીતિ અને પ્રાદેશિક સંતુલનની દિશાનો સંકેત માનવામાં આવી રહ્યું છે.
જે દેશોને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે તેમાં ભારત, ચીન, સાઉદી અરબ, પાકિસ્તાન, તુર્કી, સંયુક્ત અરબ અમીરાત, કતર, મલેશિયા, બ્રુનેઈ, શ્રીલંકા, નેપાળ, માલદીવ અને ભૂતાન સામેલ છે. દક્ષિણ એશિયાથી લઈને પશ્ચિમ એશિયા સુધીના દેશોને એક સાથે બોલાવવા આ સમારોહને કૂટનીતિક રૂપથી મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
ઢાકામાં આયોજીત આ શપથ સમારોહ માત્ર ઔપચારિક કાર્યક્રમ માનવામાં આવી રહ્યો નથી, પરંતુ તેને નવી સરકારના આંતરરાષ્ટ્રીય સંદેશ તરીકે જાેવામાં આવી રહ્યો છે. ખાસ કરી ભારત અને ચીન બંનેને નિમંત્રણ મોકલવું પ્રાદેશિક સંતુલનના પ્રયાસના રૂપમાં જાેવામાં આવી રહ્યું છે.
નવી કેબિનેટની સાથે શપથ લેવા જઈ રહેલા તારિક રહેમાનની સામે ઘરેલું રાજનીતિને સ્થિર કરવા, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા અને આંતરરાષ્ટ્રીય સંબંધોને સંતુલિત રાખવાનો મોટો પડકાર હશે. બાંગ્લાદેશ ચૂંટણીમાં ૨૦૯ સીટો પર બીએનપીએ જીત મેળવી છે. જ્યારે જમાત ગઠબંધનને ૬૮ સીટો મળી છે. કુલ ૨૯૯ સીટો પર ચૂંટણી યોજાઈ હતી. ૬૦ વર્ષીય રહેમાન પ્રભાવશાળી ઝિયા પરિવારમાંથી છે. તેઓ એ પરિવારમાંથી આવે છે જેણે દાયકાઓ સુધી બાંગ્લાદેશની રાજનીતિ પર પ્રભુત્વ રાખનાર પાર્ટીનું નેતૃત્વ કર્યું. તેમના માતા-પિતા બંને સર્વોચ્ચ પદ પર રહી ચૂક્યા છે. પરંતુ રહેમાનની પ્રધાનમંત્રી પદ સુધી પહોંચવાની સફર સરળ રહી નથી. તેમના રાજકીય જીવન પર વિરોધીઓએ ભાઈ-ભત્રીજાવાદ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા. કિશોરવસ્થામાં તેમના પિતાની હત્યા થઈ હતી. લાંબા સમય સુધી દેશમાંથી બહાર રહેવું પડ્યું અને ઘણા વિવાદોનો સામનો કરવો પડ્યો. તેમના માતા અને દેશના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી ખાલિદા ઝિયાના નિધન બાદ તેમને બીએનપીના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશમાં ચૂંટણી યોજાઈ અને તેમની પાર્ટીને જીત મળી છે.
રહેમાને ૨૦૦૧મા BNP મા સક્રિય ભૂમિકા ભજવવાની શરૂ કરી, તે સમયે તેમની ઉંમર માત્ર ૩૫ વર્ષની હતી. ખાલિદા ઝિયા પ્રથમવાર ૧૯૯૧થી ૧૯૯૬ સુધી પ્રધાનમંત્રી રહ્યાં હતા. તેમના પિતા ઝિયાઉર રહેમાન સેના પ્રમુખથી રાષ્ટ્રપતિ બન્યા હતા. ૧૯૮૧મા સૈન્ય તખ્તાપલટ દરમિયાન તેમની હત્યા કરી દેવામાં આવી હતી. તેઓ બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામના મુખ્ય નેતાઓમાંથી હતા અને ૧૯૭૮મા બીએનપીની સ્થાપના કરી હતી.




