
બે સમુદાય વચ્ચે તણાવ બાદ ચુસ્ત બંદોબસ્ત તાપી: સોનગઢના ગીધમાળી ડુંગર પર પૂજા મુદ્દે ભારે વિવાદ પૂજા કરવા જઈ રહેલા આદિવાસીઓને પોલીસે અટકાવતા અને દેવ બિરસા સેનાના અધ્યક્ષની અટકાયત કરતા ભારે રોષ
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના નાના બંધારપાડા સ્થિત ગીધમાળી ડુંગર પર પૂજા કરવાના અધિકારને લઈને ફરી એકવાર વિવાદ વકર્યો છે. આજે પરંપરાગત કણી કંસરીની પૂજા કરવા જઈ રહેલા આદિવાસીઓને પોલીસે અટકાવતા અને દેવ બિરસા સેનાના અધ્યક્ષની અટકાયત કરતા સમગ્ર પંથકમાં ભારે ગરમાવો જાેવા મળ્યો હતો.
આદિવાસી સમુદાયનો દાવો છે કે તેઓ આદિકાળથી દર વર્ષે ખેતરમાં પકવેલું નવું અનાજ (હિજારી) ગીધમાળી ડુંગર પર લાવી કણી કંસરી માતાની પૂજા કરી ચઢાવે છે. આ ધાર્મિક વિધિ બાદ જ તેઓ અનાજનો ઉપયોગ શરૂ કરે છે. જાેકે, છેલ્લા કેટલાક સમયથી આ ડુંગર પર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મરિયમ માતાનું ધર્મસ્થાન ઊભું કરી દેવામાં આવતા સ્થાનિક આદિવાસીઓની પરંપરાગત પૂજામાં અવરોધ ઊભો થયો છે.
દેવ બિરસા સેના દ્વારા આજે ડુંગર પર જઈ પૂજા કરવાનું આહવાન કરવામાં આવ્યું હતું. પરિસ્થિતિ વણસે નહીં તે માટે તાપી પોલીસ અને વહીવટીતંત્રે વહેલી સવારથી જ ગીધમાળી ડુંગર ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો. આ દરમિયાન પૂજા કરવા જઈ રહેલા કાર્યકરો અને ગ્રામજનોને રસ્તામાં જ અટકાવી દેવામાં આવ્યા હતા. દેવ બિરસા સેનાના અધ્યક્ષ સહિતના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત ડુંગર તરફ જવાના તમામ માર્ગો પર પોલીસ દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું હતું.
પૂર્વજાેના વખતથી ચાલી આવતી ધાર્મિક પરંપરા અટકતા આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જાેવા મળી રહ્યો છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે શ્રદ્ધાના કેન્દ્ર સમાન ડુંગર પર અતિક્રમણ કરીને અન્ય ધર્મનું સ્થાનક બનાવી દેવામાં આવ્યું છે, જે તેમની સંસ્કૃતિ પર પ્રહાર છે. બીજી તરફ, વહીવટીતંત્ર દ્વારા શાંતિ જાળવવા માટે બંને પક્ષો સાથે સમજાવટના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.




