
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સુરત શહેર અને જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની અછતને પગલે સરકારી ઓઈલ કંપનીઓના અડધો-અડધ પેટ્રોલ પંપો બંધ થઈ જતા ફરી પેટ્રોલ પંપો ઉપર વાહનોની લાઈનો લાગતા ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સાઉથ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા સુરત જિલ્લા પુરવઠા અધિકારીને રજૂઆત કરાતા સુરત કલેક્ટરે પેટ્રોલિયમ કંપનીઓના અધિકારીઓને બોલાવી સમગ્ર બાબતથી જાણકાર થઈને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. આમ પણ નાયરા જેવી ખાનગી પેટ્રોલિયમ કંપનીઓના પેટ્રોલના ભાવમાં લીટરે રૂપિયા પાંચ અને ડીઝલમાં રૂપિયા ત્રણના વધારાને કારણે ગ્રાહકોના ખિસ્સા પર પડતા ભારને લઈને ગ્રાહકો ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના સરકારી પેટ્રોલ પંપો પર ગ્રાહકોની ભીડ વધુ રહેતી હતી અને સરકારી પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલની માંગ માં વધારો થયો હતો.
એને કારણે છેલ્લા ત્રણેક દિવસ ઉપરાંત થી સરકારી પેટ્રોલ પંપો ને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ નહીં મળતા સુરત શહેર જિલ્લાના અડધા ઉપરાંત પેટ્રોલ પંપો બંધ કરવામાં આવતા અન્ય પેટ્રોલ પંપો પર ગ્રાહકોની ભીડ દેખાઈ રહી છે.
આ ગંભીર બાબતને ધ્યાનમાં લઈને પુરવઠા અધિકારી દ્વારા દરેક મામલતદારો પાસેથી જે તે વિસ્તારના પેટ્રોલ પંપના માલના સ્ટોક પત્રક અંગેની વિગતોનો રિપોર્ટ પણ માંગવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.



