
ટ્વીટ કરીને અભિનંદન પાઠવ્યા વડાપ્રધાન મોદીએ ‘બૂંગ’ની જીતને ગર્વની ક્ષણ ગણાવી બૂંગ ફિલ્મની વાર્તા એક એવા નિર્દાેષ બાળકની છે, જે પોતાની માતા માટે ખાસ ભેટ શોધવા માંગે છે.
મણિપુરી ભાષાની ડેબ્યૂ ફીચર ફિલ્મ ‘બૂંગ’એ આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતનું નામ રોશન કર્યું છે. ફિલ્મ ‘બૂંગ’એ આ વર્ષના BAFTA એવોર્ડ્સ (બ્રિટિશ ફિલ્મ અને ટેલિવિઝન કલા એકેડમી પુરસ્કાર)માં બાળ અને પારિવારિક (ચાઇલ્ડ એન્ડ ફેમિલી) ફિલ્મ શ્રેણી (કેટેગરી)માં જીત મેળવી. આ પહેલી ભારતીય ફિલ્મ બની છે, જેણે આ કેટેગરીમાં પુરસ્કાર જીત્યો. ત્યારે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરીને ‘બૂંગ’ની આખી ટીમને અભિનંદન આપ્યા છે. વડાપ્રધાને લખ્યું કે, ‘આ સમગ્ર દેશ, ખાસ કરીને મણિપુર માટે ગર્વની ક્ષણ છે અને તે ભારતની રચનાત્મક પ્રતિભા દર્શાવે છે.’BAFTA એવોર્ડ્સ સમારોહ લંડનના રોયલ ફેસ્ટિવલ હોલમાં યોજાયો હતો, જ્યાં ફિલ્મની ટીમ હાજર રહી હતી.
ફિલ્મનું ડિરેક્શન લક્ષ્મીપ્રિયા દેવીએ કર્યું છે, જ્યારે પ્રોડ્યુસર ફરહાન અખ્તર, રિતેશ સિધવાણી, વિકેશ ભુટાણી, એલન મેકએલેક્સ અને શુજાત સૌદાગર છે. આ સમારોહમાં એકમાત્ર ભારતીય નોમિનેટેડ ફિલ્મ હતી અને તેણે ‘ઝૂટોપિયા ૨’, ‘લીલો એન્ડ સ્ટિચ’ અને ‘આર્કાે’ જેવી આંતરરાષ્ટ્રીય ફિલ્મોને પાછળ છોડી દીધી.ડિરેક્ટર લક્ષ્મીપ્રિયા દેવીએ જીત બાદ કહ્યું કે, ‘‘બૂંગ’ નો અર્થ મણિપુરી ભાષામાં નાનો છોકરો થાય છે. વાર્તા એક એવા નિર્દાેષ બાળકની છે, જે પોતાની માતા માટે ખાસ ભેટ શોધવા માંગે છે. તેને લાગે છે કે, તેના લાંબા સમયથી ગુમ થયેલા પિતાને પાછા લાવવા એ જ તેની માતા માટે સૌથી મોટી ભેટ હશે. આ જ શોધ દરમિયાન તેનું જીવન એક નવી દિશા લે છે.’પ્રોડ્યુસર ફરહાન અખ્તરે જણાવ્યું કે, તે છેલ્લા લગભગ ૨૦ વર્ષથી લક્ષ્મીપ્રિયાને ઓળખે છે અને આ તેની ડિરેક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ છે, તેથી આ ક્ષણ વધુ વિશેષ છે. તેણે કહ્યું કે, ‘ભારતના જે પ્રદેશમાંથી ઓછી ફિલ્મો સામે આવે છે, ત્યાંની વાર્તાને સમર્થન આપવું મને યોગ્ય લાગ્યું.’ફિલ્મનું પ્રથમ સ્ક્રીનિંગ ૨૦૨૪માં ટોરોન્ટો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવના રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં થયું હતું. ત્યારબાદ તેને વોર્સાે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ, મામી મુંબઈ ફિલ્મ મહોત્સવ, ભારત આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ, મેલબોર્ન જેવા મુખ્ય ફિલ્મ સમારોહમાં પણ પ્રદર્શિત કરવામાં આવી હતી.‘બૂંગ’ની આ જીત માત્ર ભારતીય સિનેમા માટે જ નહીં, પરંતુ પ્રાદેશિક ભાષાઓની વાર્તાઓ માટે પણ એક મોટો મુકામ માનવામાં આવી રહી છે.




