
AAP ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવિણ રામના ગુજરાતના ખેડૂતો માટે 108 દિવસના જેલવાસ બાદ શરૂ થયેલી “પરિવર્તન લાવો, કિસાન બચાવો યાત્રા” આજે રાજકોટ અને ગોંડલ ખાતે પહોંચી હતી. ત્યાં રાજકોટ અને ગોંડલમાં સ્થાનિકોની ઉપસ્થિતિમાં વિશાળ સભાઓ યોજાઈ હતી. આ સભામાં રાજકોટ જિલ્લા પ્રમુખ તેજસ ગાજીપરા, AAP નેતા રાહુલ ભુવા અને મહિલા નેતા જિગીષા પટેલ સહિત જિલ્લાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. ગોંડલ ખાતે સભામાં આમ આદમી પાર્ટીના યુવા અને કિસાન નેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે સોમનાથની ધરતી પરથી શરૂ કરીને આજે અમે ખેડૂતોની યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છીએ. અમે ખેડૂતો માટે લડત લડતા હતા, આંદોલન ચલાવતા હતા અને એના માટે અમને જેલમાં નાખવામાં આવ્યા તેની સામે મને વાંધો નથી, પરંતુ નિર્દોષ ખેડૂતોને માર મારવામાં આવ્યો અને તેમને જેલમાં નાખવામાં આવ્યા તેની સામે અમને વાંધો છે અને આ ખેડૂતોને ન્યાય અપાવવા માટે અમે ફરીથી યાત્રા લઈને નીકળ્યા છીએ. બીજી ગંભીર બાબતે છે કે ભાજપના લોકો કહે છે કે અડધી રાત્રે પણ કોઈ દીકરી ઘરની બહાર નીકળી શકે છે એટલું સુરક્ષિત છે આપણું ગુજરાત. તો મારો સવાલ છે કે ધોળા દિવસે જીગીશા પટેલ, એક પાટીદાર – એક ગુજરાતની દીકરી પર હુમલો કરવામાં આવ્યો, તો ભાજપના લોકો શું કહેશે? જીગીશાબેન પટેલ પોતાના કામ માટે નહીં પરંતુ લોકોનો અવાજ ઉઠાવવા ગયા હતા. અમે વિપક્ષની ભૂમિકામાં છીએ તો અમારી જવાબદારી છે લોકો માટે અવાજ ઉઠાવવો. હુમલા બાદ પણ ફરિયાદ લખાવવામાં ખૂબ જ મહેનત કરવામાં આવી અને કેટલાય બુમબરાડા કર્યા ત્યારે તો ફરિયાદ લેવામાં આવી. આ ગુજરાતની ખરી વાસ્તવિકતા છે.
વધુમાં પ્રવીણ રામે સભાને સંબોધતા જણાવ્યું હતું કે જેલમાંથી પરત આવ્યા પછી તેમને સમજાયું કે જો ખોટી રીતે જેલમાં નાખવામાં આવે તો તેઓ ત્યાંથી પણ વધુ મજબૂત બનીને બહાર આવે છે. ખોટા આરોપો લગાવીને જેલમાં નાંખવામાં આવે તો નુકસાન નહીં, પરંતુ સંઘર્ષનો નફો મળે છે. તેમણે હડદડ ગામની ઘટનાનો ઉલ્લેખ કરતાં કહ્યું કે તે ઘટના જીવનમાં ક્યારેય ભૂલી શકાય તેવી નથી. ખેડૂતોને ઘરમાં ઘુસી મારવામાં આવ્યા, લાઠીચાર્જ કરવામાં આવ્યો. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે ઘરમાં ઘુસી કોઈને મારવાની ફરજ પોલીસને કોણે આપી? ખેડૂતો પર બર્બરતા કરવામાં આવી, નિર્દોષ લોકોને પકડવામાં આવ્યા અને ખોટા કેસોમાં જેલમાં નાંખવામાં આવ્યા. 75 વર્ષના વૃદ્ધ, જેમને પહેલેથી જ કેન્સર જેવી ગંભીર બિમારી હતી, તેમને પણ છોડવામાં આવ્યા નહોતા. કોઈ ગુનો ન હોવા છતાં લોકોને સતાવી જેલમાં મોકલવામાં આવ્યા. તેમણે જણાવ્યું કે જ્યારે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા ત્યારે પોલીસે કોઈ વિડિયો કે પુરાવાની તપાસ કર્યા વગર નામો એફઆઈઆરમાં ઉમેર્યા. માત્ર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાના કારણે નામ દાખલ કરવામાં આવ્યા. ખેડૂતો માટે અવાજ ઉઠાવનાર તમામ લોકોના નામ એફઆઈઆરમાં નાખવામાં આવ્યા. તેમણે એક પોલીસ અધિકારીના નિવેદનનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અધિકારીએ જણાવ્યું હતું કે દારૂ વેચનારા લોકો વધારે સારા છે. તેના જવાબમાં પ્રવીણ રામે કહ્યું કે પોલીસને દારૂ વેચનારા સારા લાગે કારણે કે તે હપ્તો આપે છે, ખેડૂતો હપ્તો આપતા નથી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કયા તાલુકામાં દારૂ મળતો નથી? અંતમાં તેમણે પોતાના વ્યક્તિગત અનુભવો શેર કરતાં કહ્યું કે જેલમાં હોવાને કારણે તેઓ પોતાના એક વર્ષના દીકરાના પ્રથમ જન્મદિવસે હાજર રહી શક્યા નહોતા. તેમણે દીકરાને પત્ર લખ્યો હતો કે આજે હું તારી સાથે નથી, કારણ કે હું ગુજરાતના ખેડૂતો માટે લડી રહ્યો છું. જ્યારે તું મોટો થશે, ત્યારે તને ગૌરવ થશે કે તારા પિતા ખેડૂતોના હકો માટે લડતા હતા.
ગોંડલની સભામાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જીગીશા પટેલે પોતાનું વક્તવ્ય આપતા જણાવ્યું હતું કે, ગોંડલમાં કચરાના ઢગલા થઈ ગયા છે, 42 લાખ મહિનાનો કચરાનો કોન્ટ્રાક્ટ છે પણ એનો વપરાશ ક્યાંય પ્રજા માટે થતો હોય એવું લાગતું નથી. આ રૂપિયા ભાજપની ટોળકીના ખિસ્સામાં જતા લાગે છે. આ લોકો ગોંડલના રોડ રસ્તા ખાઈ ગયા, ધારાસભ્ય રોડ પર નીકળે તો એમને ખબર પડે ને કે શું પરિસ્થિતિ છે. અહીંના ધારાસભ્ય ચૂંટણી ટાઈમ સિવાય ક્યાંય જોવા મળતા નથી. ભાજપ સરકારે અધિકારીઓ સાથે મળીને કરોડોની ગ્રાન્ટ ખર્ચે પરંતુ ગટરના તમામ પાણી આજે નદીમાં ભળી જાય છે, કેમિકલ વાળા નદીમાં ભળી જાય છે અને સ્વચ્છ પાણી માટે મારી માતા બેન દીકરીઓ વલખા મારે છે.




