
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અને ખેડૂતોના હક માટે હંમેશા અવાજ ઉઠાવતા ખેડૂતોના મસીહા ઈસુદાન ગઢવી આજે સાણંદના ડરણ ગામે પહોંચ્યા હતા. અહીં ખેડૂતોના પાણીના પ્રશ્નો અને ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા માટે ખેડૂતોને થઈ રહેલા અન્યાય મુદ્દે ઈસુદાન ગઢવીએ ખેડૂતો સાથે વાતચીત કરી હતી. આ તકે ‘આપ’ નેતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આજે સાણંદના ડરણ ગામે દસ કિલોમીટર લાંબી ડ્રેનેજ લાઇન નાખવામાં આવી રહી છે. ખેડૂતોને પૂછ્યા વગર, તેમની ખેતીની જમીન પર બળજબરીપૂર્વક કંપનીઓનું વેસ્ટ પાણી કાઢવા માટે આ લાઇન નખાઈ રહી છે. ખેડૂતોનું કહેવું છે કે આ લાઇન કેનાલની બાજુમાંથી કાઢો, પણ તેમ કરવાને બદલે ખેડૂતોની ફળદ્રુપ જમીનમાંથી, લગભગ હજાર વીઘામાંથી આ લાઇન કાઢવામાં આવી રહી છે. તેના કારણે સાત-બાર (૭/૧૨)ના ઉતારામાં પણ આ ડ્રેનેજ લાઇનની એન્ટ્રી પડી જશે, જેના લીધે ખેડૂતોને તેમની જમીનના પૂરતા ભાવ પણ મળશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે, આ બાબતે ખેડૂતો છેલ્લા ઘણા દિવસોથી વિરોધ કરી રહ્યા છે, છતાં ભાજપના ધારાસભ્યો કે સાંસદો અહીં સુધી પહોંચ્યા નથી. આજે મોટી સંખ્યામાં ખેડૂતો અને મહિલાઓ-માતા, બહેનો, દીકરીઓ પરેશાન થઈને બેઠી છે. મને લાગે છે કે ભાજપ સરકાર પાકવીમો નથી આપતી, ખાતર નથી આપતી, બિયારણ નથી આપતી, પાકના પૂરતા ભાવ નથી આપતી અને બધી બાબતોમાં લાઈનો લગાડે છે. હવે હદ વટાવીને જે જમીન પર ખેડૂત પરસેવો પાડીને બેઠો છે, તે ફળદ્રુપ જમીન પર પણ જેસીબી (JCB) ચલાવીને કબજો કરવા મથી રહી છે. આ અન્યાયના વિરોધમાં આજે આમ આદમી પાર્ટીએ ખેડૂતોને સંપૂર્ણ ટેકો આપ્યો છે. ઇસુદાન ગઢવીએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું કે, જો ખેડૂતો પર અત્યાચાર બંધ નહીં થાય અને આ બાબતે કાયદાકીય ન્યાય નહીં મળે, તો આવનારા સમયમાં આમ આદમી પાર્ટી ખેડૂતોના હક માટે ઉગ્ર આંદોલન કરશે, જેની હું ખાતરી આપું છું.


ખેડૂતોને સંબોધન કરતા ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતુ કે, તમે એક થઈને લડત આપી રહ્યા છો. આપણી જમીન, આપણું પાણી, આપણી વીજળી… અને હવે આપણી આ કિંમતી જમીન ઉપર, ખેડૂતોની છાતી ઉપર આ લોકોએ જે જેસીબી (JCB) ચલાવવાનું ચાલુ કર્યું છે, આ તો પરાકાષ્ઠા છે. જ્યાં-જ્યાં આંદોલન થાય, જ્યાં-જ્યાં ખેડૂતોના પ્રશ્નો ઊભા થાય, ત્યાં ભાજપના નેતા, સાંસદ કે ધારાસભ્ય કોઈ ફરકતું પણ નથી. ખેડૂતો જ્યારે મતદાનના દિવસે ગાડીઓના ટોળે-ટોળા ભરીને જતા હોય છે ત્યારે આ નેતાઓ ક્યાં જાય છે? આપણને ખબર છે કે જ્યારે બાજરીનો પાક તૈયાર થાય ત્યારે પક્ષીઓ ઉતરી આવે છે. બસ, તેમ જ ચૂંટણી આવે એટલે ભાજપવાળા ગાડીઓના ટોળેટોળા લઈને પક્ષીઓની જેમ ઉતરી પડે છે. જે ખેડૂતો ચૂંટણીમાં તેમને જીતાડે છે, આજે તેમના જ ખાતાની, કેટલાય વીઘા જમીનમાંથી આ લોકો કંપનીઓનું વેસ્ટ (દૂષિત) પાણી કાઢી રહ્યા છે. નફો કંપનીઓને મળે અને પાણી નિકાલ કરવા માટે જમીન આપણી વપરાય. હું એ અધિકારીઓને કહેવા માંગું છું, યાદ રાખજો… તમારી સંપત્તિનું લિસ્ટ બનાવીને રાખજો. તમારામાંથી જેઓ પણ અહીં (ખેડૂતો પર અત્યાચાર ગુજારવામાં) છુપાયેલા છે ને, જે દિવસે સરકાર બદલાશે, તે દિવસે વ્યાજ સાથે વસૂલાત કરવામાં આવશે. તમને રસ્તા પર લાવી દઈશું. અહીં કોઈ સારી સરકારી કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે? કોઈ સારી સરકારી હોસ્પિટલ છે અહીંયા? તમે નોકરીઓ આપો નહીં, તમે પાકના પૂરતા ભાવ આપો નહીં, તમે પાકવીમો આપો નહીં… તમે અમારી પાસેથી અમારું સર્વસ્વ લૂંટી લીધું! અને હવે અમારી માઁ સમાન જમીન ઉપર તમે અમને પૂછ્યા વગર જેસીબી ચલાવો છો? આવો અત્યાચાર તો અંગ્રેજોએ પણ નહોતો કર્યો! આજે તમારી જે માંગ છે, તેની સાથે હું સંપૂર્ણ સહમત છું. જરૂર પડશે તો મુખ્યમંત્રીને પત્ર લખીને પણ આ અંગે કડક રજૂઆત કરીશ. આજે આપણે અહીં ભેગા થયા છીએ, તો કંઈક તો ઉકેલ લાવવો જ પડશે. મારી આ સરકાર અને મુખ્યમંત્રીને પણ નમ્ર વિનંતી છે કે, આ કંપનીઓ અને સિંચાઈ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓની દલાલીઓ કરવાનું બંધ કરો! અને તાત્કાલિક બધા અધિકારીઓને ઓર્ડર (આદેશ) કરી દો કે, ખેડૂતો અહીંથી પોતાની એક ઈંચ જમીન પણ આપવાના નથી એટલે નથી! ડ્રેનેજ લાઈન કેનાલની બાજુમાંથી જ કાઢવી પડશે, આ વાત મગજમાં ઉતારી લેજો.



