
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે બુધવારે પાર્ટી કાર્યકરો સાથે ઉમંગભેર હોળી ઉજવી. ‘આપ’ના પંજાબ પ્રભારી અને દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાના નિવાસસ્થાને હોળી મિલન સમારોહ યોજાયો હતો. કથિત દારૂ કૌભાંડ કેસમાં આરોપમુક્ત થવાની ખુશી તમામ નેતાઓના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. સૌએ એકબીજાને અબીલ- ગુલાલ અને ગળે મળી હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી, સાથે જ કોર્ટમાં “કટ્ટર ઈમાનદાર” સાબિત થવા બદલ અભિનંદન આપ્યા. આ પ્રસંગે અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે અમે મનીષ સિસોદિયાના નિવાસસ્થાને પાર્ટીના તમામ સાથીઓ અને કાર્યકરો સાથે “કટ્ટર ઈમાનદાર” હોળી ઉજવી. સત્ય અને સંઘર્ષના રંગો સાથે અમે આવનારા સમયમાં પણ આ રીતે જ આગળ વધતા રહીશું.
અરવિંદ કેજરીવાલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રંગોનો તહેવાર હોળી દરેકના જીવનમાં ખુશીઓના અનેક રંગો લઈને આવે, દરેક પરિવારને સુખ-શાંતિ અને સમૃદ્ધિ આપે અને સૌને ખૂબ આનંદિત રાખે. તેમણે જણાવ્યું કે આમ આદમી પાર્ટી અને તેના સમગ્ર નેતૃત્વ સાથે મોટો અન્યાય કરવામાં આવ્યો હતો અને એક ષડ્યંત્ર રચાયું હતું. હવે કોર્ટ દ્વારા સાબિત થઈ ગયું છે કે આમ આદમી પાર્ટી એક કટ્ટર ઈમાનદાર પાર્ટી છે અને પાર્ટીના તમામ નેતાઓ કટ્ટર ઈમાનદાર છે. અરવિંદ કેજરીવાલે વધુમાં જણાવ્યું કે ખૂબ દુઃખની વાત છે કે ભારતીય જનતા પાર્ટીએ હોળીના અવસરે સમગ્ર દિલ્હીમાં દારૂની દુકાનો ખુલ્લી રાખી છે. વર્ષોથી તહેવારોના પ્રસંગે દારૂની દુકાનો બંધ રાખવાની પરંપરા રહી છે, જેથી લોકો દારૂ પીને હુલ્લડ ન મચાવે. તેમણે કહ્યું કે હોળીના દિવસે, જ્યારે અગાઉના વર્ષોમાં દુકાનો બંધ રહેતી હતી, ત્યારે ભાજપ સરકાર દ્વારા દારૂની દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય અત્યંત ખોટો છે. અરવિંદ કેજરીવાલે ‘એક્સ’ પર દિલ્હી સહિત દેશના તમામ નાગરિકોને હોળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે જણાવ્યું કે રંગોનો આ તહેવાર તમારા જીવનમાં ખુશીઓ, પ્રેમ અને નવી ઊર્જા ભરી દે. આપ સૌનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી પરિપૂર્ણ બને. તેમણે આગળ લખ્યું કે એ લોકોના ષડયંત્ર અને ખોટા આરોપો વચ્ચે પણ આમ આદમી પાર્ટીના રંગ ફીકા પડ્યા નથી, કારણ કે અમારી શક્તિ ઈમાનદારી અને જનતાનો વિશ્વાસ છે.
‘આપ’ના પંજાબ પ્રભારી અને દિલ્હીના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ પણ સૌને હોળીના પાવન પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. તેમણે જણાવ્યું કે તહેવાર એ જ છે, પરંતુ રંગ નવો છે. આ “કટ્ટર ઈમાનદારી”નો રંગ છે અને ફીકો પડવો તેની ફિતરત નથી. આ વખતની હોળીની ઉજવણીમાં ફક્ત લાલ-પીળો-લીલો રંગ જ નહોતો, પરંતુ “કટ્ટર ઈમાનદારી”નો રંગ પણ હવામાં ભળ્યો હતો. કારણ કે કેટલાક રંગ ચહેરા સજાવે છે અને કેટલાક ઈતિહાસ લખે છે. ચહેરાનો રંગ સાંજ સુધી ઉતરી જાય છે, પરંતુ ઈમાનદારીનો રંગ આવનારી પેઢીઓ સુધી દેખાતો રહેશે. આપ સૌને હોળીની સાચી, સરળ અને થોડી બેબાક શુભેચ્છાઓ.
આમ આદમી પાર્ટીના દિલ્હી પ્રદેશ અધ્યક્ષ સૌરભ ભારદ્રાજે જણાવ્યું કે છેલ્લા લગભગ ત્રણ વર્ષથી પાર્ટીના કાર્યકરો આ રીતે હોળી ઉજવી શક્યા નહોતા. પ્રથમ વર્ષે હોળીના સમયે મનિષ સિસોદીયા જેલમાં હતા, કારણ કે તેમની 26 ફેબ્રુઆરી 2023ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેથી 2023માં પાર્ટીએ હોળી ઉજવી નહોતી. 2024માં અરવિંદ કેજરીવાલની ધરપકડ થઈ હતી, તેથી તે વર્ષે પણ હોળી ઉજવાઈ નહોતી. 2025માં છેતરપિંડી, કપટ, પૈસા અને મતચોરીના આરોપો વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હીમાં આમ આદમી પાર્ટીને હરાવી હતી, તેથી 2025માં પણ પાર્ટી કેડરે વિશેષ રીતે હોળી ઉજવી નહોતી. સૌરભ ભારદ્રાજે વધુમાં જણાવ્યું હતું કે ત્રણ વર્ષ બાદ પાર્ટીમાં કેડર, કાર્યકરો અને નેતાઓ માટે ખુશીનો અવસર આવ્યો છે. ભાજપ સરકાર દ્વારા દારૂ અને આબકારી મામલે લગાવવામાં આવેલા ખોટા આરોપો અને રચાયેલા ષડ્યંત્રનો ભાંડાફોડ થયો છે અને અમારા તમામ નેતાઓ નિર્દોષ સાબિત થયા છે. તેમણે જણાવ્યું કે આજનો દિવસ અમારે માટે ખૂબ આનંદનો છે. અમે અરવિંદ કેજરીવાલ, મનિષ સિસોદીયા અને પાર્ટીના તમામ નેતાઓ સાથે મળીને હોળી ઉજવી રહ્યા છીએ. અંતમાં તેમણે સમગ્ર દિલ્હીના નાગરિકોને હોળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી.




