
પેપર લીક વિરોધ વચ્ચે કોંગ્રેસનો મોટો ર્નિણય ચલો સંસદ માર્ચ’ દરમિયાન ધરપકડ કરાયેલા યુવાનોને કોંગ્રેસ આપશે મફત કાનૂની સહાય પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ અને યુવાનોને કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ કાનૂની સહાય પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે દિલ્હીમાં પેપર લીક અને પરીક્ષામાં ગેરરીતિઓના વિરોધમાં યોજાયેલા ‘ચલો સંસદ માર્ચ’ દરમિયાન પોલીસ કાર્યવાહી બાદ કોંગ્રેસ પાર્ટીએ મોટો ર્નિણય લીધો છે. વિરોધ પ્રદર્શન દરમિયાન ધરપકડ કરાયેલા, અટકાયત કરવામાં આવેલા અથવા પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓ અને યુવાનોને કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ કાનૂની સહાય પૂરી પાડવાની જાહેરાત કરવામાં આવી છે.કોંગ્રેસે જણાવ્યું છે કે વિરોધ દરમિયાન જે યુવાનોને કાયદાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તેમના માટે પાર્ટીની વિશેષ કાનૂની ટીમ કામ કરશે. ધરપકડ કરાયેલા યુવાનોને જામીન, કાયદાકીય સલાહ અને અન્ય જરૂરી મદદ પૂરી પાડવામાં આવશે.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને કોઈપણ શરત વિના કાનૂની મદદ આપવામાં આવશે. કોંગ્રેસના મહાસચિવ અને કોમ્યુનિકેશન વિભાગના પ્રભારી જયરામ રમેશે સોશિયલ મીડિયા મારફતે આ માહિતી આપી હતી.
તેમણે વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને અપીલ કરી છે કે તેઓ પોતાની વિગતો સાથે કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા સંપર્ક માધ્યમો પર માહિતી આપે, જેથી કાનૂની ટીમ સીધો સંપર્ક કરી શકે અને જરૂરી કાર્યવાહી શરૂ કરી શકે.
કોંગ્રેસે જણાવ્યું છે કે જરૂરિયાત જણાશે તો વકીલોની ટીમ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોના ઘરે પણ પહોંચશે. પાર્ટી દ્વારા કાનૂની સહાય માટે કેટલાક વકીલોની ટીમ તૈયાર કરવામાં આવી છે, જે ધરપકડ અને પોલીસ કાર્યવાહીના કેસોમાં મદદ કરશે.
આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે જ્યારે ‘ચલો સંસદ માર્ચ’ દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલી પોલીસ કાર્યવાહીનો મુદ્દો રાજકીય રીતે ગરમાયો છે.
આ પહેલાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને કે.સી. વેણુગોપાલે રામ મનોહર લોહિયા હોસ્પિટલ સહિતની જગ્યાએ જઈને પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયેલા વિદ્યાર્થીઓની મુલાકાત લીધી હતી.
રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીની જવાબદારી નક્કી થવી જાેઈએ. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સામે રાજકીય જવાબદારીની માંગ કરી હતી.
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે યુવાનોના ભવિષ્ય સાથે જાેડાયેલા મુદ્દાઓને ગંભીરતાથી લેવામાં આવી રહ્યા નથી અને વિદ્યાર્થીઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ આ મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે સંસદમાં વિદ્યાર્થીઓના પ્રશ્નો પર ચર્ચા થવી જાેઈએ અને યુવાનોની વાત સાંભળવી જરૂરી છે.
કોંગ્રેસે ફરી એકવાર શિક્ષણ વ્યવસ્થા, પરીક્ષામાં પારદર્શિતા અને વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી અંગે સરકાર પાસે જવાબ માંગ્યો છે. બીજી તરફ, પેપર લીક મુદ્દે વિરોધ પ્રદર્શન અને રાજકીય નિવેદનબાજી હજુ પણ ચાલુ છે.




