
ચીની ટેક જાયન્ટ અલીબાબાનો દાવો Qwen3.8 Max એન્થ્રોપિકના એઆઈ મોડલ ફેબલ-૫ને ટક્કર આપશે વર્લ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોન્ફરન્સમાં જાહેરાત બાદ કંપનીના શેરમાં પાંચ ટકાનો ઉછાળો ચીનની ટેકનોલોજી કંપની અલીબાબાએ પોતાનું અત્યાર સુધીનું સૌથી પાવરફૂલ આટફિશિયલ ઇન્ટેલિજન્સ મોડલ Qwen3.8 Max રજૂ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ મોડલ ક્ષમતાની દ્રષ્ટિએ વિશ્વના ટોપ એઆઈ મોડલ્સમાં સ્થાન ધરાવે છે. તે હાલમાં એન્થ્રોપિકના ફેબલ-૫ પછી બીજા નંબરે આવે છે.અલીબાબાના જણાવ્યા મુજબ, Qwen3.8 Max માં ૨.૪ ટ્રિલિયન પેરામીટર્સ છે, જે તેને અત્યાર સુધીના સૌથી મોટા અને શક્તિશાળી એઆઈ મોડલ્સમાં સામેલ કરે છે. આ મોડલ ટેક્સ્ટ ઉપરાંત ફોટોઝ, વીડિયોઝ અને ડોક્યુમેન્ટ્સને સમજી અને તેના આધારે જવાબ આપી શકે છે. તેને કંપની ટૂંક સમયમાં ઓપન-વેઇટ સ્વરૂપે રજૂ કરશે. જેથી ડેવલપર્સ તેને પોતાના ઉપયોગ મુજબ કસ્ટમાઇઝ કરી શકશે.આ જાહેરાત શાંઘાઈમાં યોજાયેલા વર્લ્ડ આટફિશિયલ ઇન્ટેલિજન્સ કોન્ફરન્સ દરમિયાન કરવામાં આવી હતી. ખાસ વાત એ છે કે એક દિવસ પહેલાં જ ચીનની એઆઈ કંપની મૂનશોટ એઆઈએ Kimi K3 નામનું ૨.૮ ટ્રિલિયન પેરામીટર્સ ધરાવતું મોડલ રજૂ કર્યું હતું. નવી જાહેરાત બાદ હાંગકોંગ શેરબજારમાં અલીબાબાના શેરમાં પાંચ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો હતો.




