
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
રાજસ્થાનના બાંસવાડાના બડોદિયા ગામના મુખિયાનું કહેવું છે કે ૯૦ વર્ષ પહેલા વરસાદને કારણે આ પરંપરા નહોતી નિભાવવામાં આવી. એના લીધે એ વર્ષે ગામમાં દુષ્કાળ પડયો હતો અને ૨૦૦ થી વધુ દુધાળા પશુઓનું અચાનક મૃત્યુ થઈ ગયું હતું. બસ એ પછી ગ્રામ વાસીઓએ કદી આ પરંપરામાં ચૂક ન થાય એનું ધ્યાન રાખવાનું શરૂ કર્યું છે.
શું છે એ જૂની પરંપરા? રાજસ્થાનના બાંસવાડામાં ૫૦૦ વર્ષ જૂની એક ખોફનાક પરંપરા આજે પણ ચાલે છે. જ્યાં અડધી રાત્રે બે માસુમ બાળકોને હોળી પહેલાંની મધરાતે પરણાવી દેવામાં આવે છે અને એના જ અનુસંધાને આ હોળીમાં પણ અડધી રાત્રે બે માસુમ બાળકોના વિવાહ કરાવાયા હતા.
ગ્રામજનોનું માનવું છે કે જો આ લગ્ન ન કરાવવામાં આવે તો ગામ પર ખેર જાતિ પર લાગેલો ૫૦૦ વર્ષ જૂનો શ્રાપ સાચો પડશે. એ શ્રાપ અંતર્ગત દસકા પહેલા સેંકડો પશુઓના જીવ ગયા હતા. બડોદિયા નામના ગામમાં હોળીની પૂર્વ સંધ્યાએ જો આ પરંપરા ના નિભાવવામાં આવે તો એ શ્રાપ સાચો પડી જવાનો ભય આજે પણ લોકોમાં છે. આ વખતે પણ ગામના મુખિયા નાથજી પટેલે ચૂન્નું અને મુન્નું નામના બે કિશોરોના લગ્ન કરાવ્યા હતા. તેમને અડધી રાતે એક વાગ્યે ઊંઘમાંથી ઉઠાડીને જ્યારે લગ્નની વેદી પાસે લાવવામાં આવ્યા ત્યારે ચુન્નું અને મુન્નું બંનેએ દુલ્હો બનવાની જીદ પકડી હતી.
જોકે પંચો અને લગ્ન કરાવનાર સ્વામી મહારાજે સમજાવીને ચૂન્નુંને દુલ્હો બનાવ્યો અને મુન્નું ને દુલ્હન બનાવવામાં આવ્યો. આખરે વૈદિક મંત્રોચ્ચાર સાથે સિંદૂરની રસમ અને મંગળસૂત્ર પહેરાવવાની વિધિ પણ થઈ હતી. આમ આ લગ્નની વિધિ ભલે સાચી હોય પરંતુ એ લગ્નને સાચા માનવામાં આવતા નથી.
જ્યારે આ વખતે સમાજ સુધાર માટે લોકોએ લગ્નની વેદીની આગમાં ગુટકા, બીડી, સિગારેટ અને તમાકુના ઉત્પાદનોને પણ હવનકુંડમાં નાંખીને એનાથી મુક્ત થવાની મનોકામના કરી હતી.




