
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
વિશ્વભરમાં સશસ્ત્ર સંઘર્ષો જ્યારે ઐતિહાસિક સ્તરે પહોંચ્યા છે ત્યારે પત્રકારોની હત્યાના આંકડાએ પણ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ન્યૂયોર્ક સ્થિત કમિટી ટુ પ્રોટેક્ટ જર્નાલિસ્ટ (CPJ) ના તાજેતરના અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૫ માં કુલ ૧૨૯ પત્રકારો અને મીડિયાકર્મીઓએ જીવ ગુમાવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ કુલ મૃત્યુમાંથી બે તૃતીયાંશ એટલે કે ૮૬ પત્રકારોના મોત માટે માત્ર ઇઝરાયેલ જવાબદાર છે. છેલ્લા ત્રણ દાયકા થી રેકર્ડ રાખતી આ સંસ્થાએ પત્રકારો માટે ગત વર્ષને સૌથી ઘાતક ગણાવ્યું છે.અહેવાલ અનુસાર ઇઝરાયેલ ધ્વારા ખાસ કરીને પેલસ્ટિની પત્રકારોને નિશાન બનાવવામાં આવ્યા છે. કુલ ૮૬ મૃત્યુમાંથી
૬૦% થી વધુ પત્રકારો ગાઝામાં રિપોર્ટિંગ કરી રહ્યા હતા. CPJ એ નોંધ્યું છે કે યુદ્ધમાં રિપોર્ટિંગ જોખમી હોય છે. પરંતુ ઇઝરાયેલ દ્વારા પત્રકારોને જાણીજોઈને અને ગેરકાયદેસર રીતે નિશાન બનાવવાની નવી પધ્ધતિ અપનાવવામાં આવી છે.
ઉપરાંત આ સંસ્થા CPJ ધ્વારા ૧૨૯ માંથી ૪૭ એવા કિસ્સાઓ ડોક્યુમેન્ટ કરાયા છે જ્યાં પત્રકારોની તેમના કામના કારણે જ હત્યા કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૩ માં ડ્રોન દ્વારા માત્ર બે પત્રકારોના મોત થયા હતા.જે વર્ષ ૨૦૨૫ માં વધીને ૩૯ થઈ ગયા છે. આ ૩૯ માંથી ૨૮ ડ્રોન હુમલાઓ માટે ઇઝરાયેલી સેના જવાબદાર હતી. આ સિવાય રશિયા, સુદાન અને તુર્કી દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલાઓમાં પણ આંતરરાષ્ટ્રીય પત્રકારોએ જીવ ગુમાવ્યા છે.
CPJ ના સીઈઓ જોડી ગિન્સબર્ગે જણાવ્યું હતું કે “મીડિયા પરના હુમલા એ અન્ય સ્વતંત્રતાઓ પરના હુમલાનો સંકેત છે. જ્યારે પત્રકારો સમાચારો આપવા બદલ માર્યા જાય છે ત્યારે આપણે સૌ જોખમ મા હોઈએ છીએ.” માત્ર યુધ્ધગ્રસ્ત વિસ્તારોમાં જ નહીં પરંતુ લોકશાહી દેશોમાં પણ પત્રકારો સુરક્ષિત નથી. અત્રે ઉલ્લેખનીય છે કે ભારતમાં ભ્રષ્ટાચારની તપાસ કરી રહેલા ફીલાન્સ પત્રકાર મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ સેપ્ટિક ટેન્ક માંથી મળી આવ્યો હતો. મેક્સિકોમાં છ અને ફીલીપાઇન્સ માં ત્રણ પત્રકારોની ગોળી મારીને હત્યા
કરવામાં આવી હતી. આ ઉપરાંત સઉદી અરેબિયા દ્વારા જાણીતા કટાર લેખક તુર્કી અલ જાશેર ને રાજદ્રોહના આરોપસર ફાંસી આપવામાં આવી હતી.
જ્યારે રિપોર્ટ મુજબ ભારત અને મેક્સિકોમાં છેલ્લા દસ વર્ષથી દર વર્ષે ઓછામાં ઓછા એક પત્રકારની હત્યા થાય છે. આથી અહેવાલના અંતે ચેતવણી આપવામાં આવી છે કે પ્રેસની સ્વતંત્રતામાં ઘટાડો એ લોકશાહીના પતનની શરૂઆત છે.




