
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા પ્રિયંકા કક્કરે ગુજરાતના એક ગંભીર મુદ્દે દિલ્હી ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં AAP રાષ્ટ્રીય નેતા પ્રિયંકા કક્કરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એક કર્મઠ કાર્યકર્તાની ધરપકડ કરવામાં આવી છે. પૂર્વ કચ્છના જિલ્લા પ્રમુખ ડૉ. કાયનાત અંસારીએ 50થી વધુ વખત ગાંધીધામની પોલીસને ફરિયાદ આપી કે ક્યાં ક્યાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો છે. પરંતુ ગઈકાલે રાત્રે પોલીસે કાયનાત અંસારીને જ ગિરફતાર કરી લીધા. શું આ રીતે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો કારોબાર બંધ થશે? એક આંકડા પ્રમાણે ગુજરાતમાં 40,000 કરોડનો ગેરકાયદેસર દારૂ વેચાય છે. કઈ રીતે આટલો મોટો ગોરખ ધંધો ચાલે છે? શા માટે કોઈ નથી પકડાતું? હકીકત એ છે કે ભાજપના એક એક નેતાઓ અને મંત્રીઓ આમાં સામેલ છે, માટે કોઈ કાર્યવાહી નથી થતી.
વધુમાં AAP રાષ્ટ્રીય નેતા પ્રિયંકા કક્કરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીની ભાજપમાં એવા લોકોને પાર્ટીમાં લેવામાં આવે છે અને સાંસદ બનાવવામાં આવે છે, કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવે છે જેઓ જાણીતા બુટલેગર છે. ગુજરાતમાં તસ્કર જ સરકાર ચલાવે છે. દરેક બોટલ પર દરેકનું કમિશન નક્કી હોય છે અને ખાલી કહેવા માટે નશાબંધી છે. હું ભાજપને કહેવા માગું છું કે તમે અમારા કાર્યકર્તાને જેલમાં નાખી રહ્યા છો પરંતુ અમારી સરકાર આવશે ત્યારે તમારા એક એક મંત્રીઓ જેલમાં જશે જેઓ આ ગોરખધંધામાં સામેલ છે. પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ખોટી રીતે નશાના કારોબારમાં જોડાયેલા 50,000 થી વધારે લોકોને ગિરફતાર કર્યા, એવી રીતે જ ગુજરાતમાં પણ ભાજપાના નેતાઓને છોડવામાં નહીં આવે.
વધુમાં AAP રાષ્ટ્રીય નેતા પ્રિયંકા કક્કરે જણાવ્યું હતું કે, ડૉ. કાયનાત અંસારીએ અલગ અલગ સમયે 50 જેટલી પોલીસ ફરિયાદો કરી પરંતુ જ્યારે પોલીસે કોઈ એક્શન ન લીધું, ત્યારે કાયનાત અંસારીએ પોતે જનતા સાથે મળીને દારૂના અડ્ડાઓ પર જનતા રેડ કરી હતી. આ દરમિયાન તેઓએ એક વીડિયોમાં તમામના ચહેરાઓ દેખાડ્યા અને એ વિડીયો વાયરલ થઈ ગયો, જેથી ગુજરાતની ભાજપ સરકાર પરેશાન થઈ ગઈ. વાયરલ વીડિયોમાં દેખાઈ રહેલા અપરાધીઓ વિરુદ્ધ કોઈ કેસ ન થયો અને તેમને કોઈ જેલ ન થઈ પણ જનતા રેડ કરનાર કાયનાત અંસારીને જ જેલમાં નાખી દેવામાં આવ્યા. ભાજપે સમજવું પડશે કે અમે આમ આદમી પાર્ટીના લોકો તમારી જેલોથી નથી ડરતા. ભાજપે સમજવું પડશે કે બાપુના ગુજરાતમાં દારૂ વેચવો અને દારૂ પીવો એ ગેરકાયદેસર છે, અને આવા લોકો પર એક્શન લેવામાં આવે.




