
હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ત્યારે વિસાવદર મતવિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા સામાન્ય જનતાને લોકશાહીના પવિત્ર મંદિરમાં પહોંચાડવાની અનોખી પહેલ કરવામાં આવી રહી છે. આ જ અનુસંધાને આજે વિસાવદર મતવિસ્તારના વિવિધ ગામોના દેવીપૂજક સમાજના આગેવાનોને ગાંધીનગર આમંત્રિત કરી તેમને વિધાનસભા ગૃહની કાર્યવાહી નજીકથી જોવા અને લોકશાહી પ્રક્રિયાને સમજવાનો અવસર આપવામાં આવ્યો હતો. ગામડાના છેવાડાના વર્ગના લોકોને વિધાનસભા સુધી પહોંચાડવાની આ પહેલને વિશેષ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
AAP ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના જણાવ્યા મુજબ કદાચ પહેલી વાર દેવીપૂજક સમાજના આટલા મોટા પ્રમાણમાં લોકો ગુજરાત વિધાનસભાની મુલાકાતે આવ્યા છે. મને જણાવતા અત્યંત ખુશી થાય છે કે, મારા વિસાવદર મતવિસ્તારના વિવિધ ગામડાઓના દેવીપૂજક સમાજના આગેવાનોને આજે ગાંધીનગર આમંત્રિત કરીને વિધાનસભા ગૃહની કાર્યવાહી બતાવવાનો અવસર મને મળ્યો. દેશની આઝાદી પછી પહેલી વખત કદાચ ગામડે ગામડેથી આખી બસ ભરીને મોટી સંખ્યામાં દેવીપૂજક સમાજના આગેવાનોને ગુજરાતની વિધાનસભા બતાવવામાં આવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આજે ખૂબ ઐતિહાસિક દિવસ છે. દેવીપૂજક સમાજના આગેવાનોને મોટી સંખ્યામાં ગુજરાત વિધાનસભાની મુલાકાત માટે લાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે દેવીપૂજક સમાજના લોકો ગામડાઓમાંથી આવી વિધાનસભાની કાર્યવાહી નજીકથી જોઈ શકે તે માટે આ આયોજન કરવામાં આવ્યું છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે ઘણા લોકો માટે આ પ્રથમ વખત છે કે તેઓ ગુજરાતની વિધાનસભા જોવા આવ્યા છે. ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે વિસાવદરના ખેડૂત, શ્રમિક અને સામાન્ય લોકોના આશીર્વાદથી તેમને છેવાડાના માણસને પણ લોકશાહીના આ મંદિરમાં લાવવાનો અવસર મળ્યો છે, જે તેમના માટે ગર્વ અને ખુશીની બાબત છે.તેમણે કહ્યું હતું કે લોકશાહી વ્યવસ્થામાં દરેક સામાન્ય માણસનો હક છે કે તે રાજ્યની વિધાનસભાની કામગીરીને નજીકથી જોઈ અને સમજી શકે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પોતાના મતવિસ્તારના ખેડૂતો અને મહિલાઓને વિધાનસભાની મુલાકાત કરાવી ચૂક્યા છે. તેમની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ ગામડાના સામાન્ય માણસને લોકશાહી પ્રક્રિયા સાથે જોડવાનો અને તેમને રાજ્યની વિધાનસભાની કામગીરી વિશે જાગૃત કરવાનો છે. વિસાવદર મતવિસ્તારના વિવિધ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં આવેલા દેવીપૂજક સમાજના આગેવાનોએ વિધાનસભાની મુલાકાત લઈને આનંદ અને ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.




