
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ગાંધીધામ પહોંચ્યા હતા. અહીં પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પોલીસ બે પ્રકારથી કામ કરે છે. પોલીસ બંધારણ પ્રમાણે કામ નથી કરતી. ભાજપના દલાલ બનીને કામ કરી રહી છે. પોલીસમાં કેટલાક લોકો ભાજપના દલાલ બની ગયા છે અને અધિકારીઓ માટે માત્ર ભાજપનો ખેસ પહેરવાનો બાકી રહ્યો છે,એવું લાગે છે. તમે જુઓ તો દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. ભાજપના નેતાઓ, પોલીસ અધિકારીઓ અને પોલીસ મલાઇ ખાઇ રહ્યા છે. જનતા પીસાઈ રહી છે, નવયુવાનો નશામાં બરબાદ થઈ રહ્યા છે. કચ્છમાં ડ્રગ્સ બેફામ વેચાઇ રહ્યું છે. દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને એમાં અમારા નેતા કાયનાત બેન અન્સારી, જે એક જાણીતા ડોક્ટર અને સ્પેશિયાલિસ્ટ છે, તેઓ જનતાના કામ કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. જનતા તેમની પાસે જઈ કહે છે કે અહીં દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે, દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે. ત્યારબાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ જનતા રેડ કરી. જનતા રેડ દરમિયાન ફેસબુક લાઈવ પણ કરવામાં આવ્યું, જેમાં દેખાડવામાં આવ્યું કે કેવી રીતે ત્યાં દારૂના નશેડીઓ બેઠા છે, દારૂ પીવે છે અને દારૂ વેચાઈ રહ્યો છે.આગળ તેમણે કહ્યું કે કચ્છના એસપી અને તેમના અધિકારીઓને પગાર એ માટે મળે છે કે કચ્છમાં દારૂ ન વહેચાય . એટલા માટે કચ્છના એસપીને બંગલો અને ગાડી આપવામાં આવી છે. પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે કચ્છના એસપી દારૂના અડ્ડાઓ બંધ કરવામાં રસ લે છે કે પછી દારૂના અડ્ડાઓ બંધ કરાવવા જતા લોકોમાં રસ લે છે ?
એટ્રોસિટી એક્ટ અનુસૂચિત જાતિ-જનજાતિના લોકોને રક્ષણ આપવા માટે બનાવવામાં આવેલો કાયદો છે. દલિત અને આદિવાસી સમાજના લોકો પર થતા અત્યાચાર સામે તેમને પ્રોટેક્શન મળે તે માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે. પરંતુ ભાજપ અને ગુજરાતની પૂર્વ કચ્છ પોલીસ આ કાયદાને બુઠ્ઠો બનાવવા માટે ષડયંત્ર રચતી હોય એવું લાગી રહ્યું છે. મને સાંભળવામાં આવ્યું છે કે પોલીસના દબાણ અને રોષના કારણે ઘણી વખત લોકો એટ્રોસિટીનો કેસ નોંધાવવા માટે મજબૂર થાય છે. એટ્રોસિટીની ફરિયાદ થાય ત્યારે મેં અધિકારીઓ સાથે વાત કરી છે, પરંતુ અધિકારીઓ તરફથી ઘણી વખત આડા અવળા જવાબો આપવામાં આવે છે, જેના કારણે સામાન્ય જનતામાં ન્યાય પ્રત્યેનો વિશ્વાસ ડગમગી જાય છે. લોકો પ્રશ્ન કરે છે કે આ કાયદો આપણું રક્ષણ કરવા માટે છે કે નહીં. જ્યારે હું અધિકારીઓને ફોન કરું છું ત્યારે એ આશા સાથે કરું છું કે તેઓ બંધારણ અને કાયદાનો પાલન કરશે.અમે અગાઉ એસપીને પણ આ મુદ્દે રજૂઆત કરી હતી. જ્યારે સમાજ પર અત્યાચાર થાય છે ત્યારે એટ્રોસિટીનો કેસ થાય છે, પરંતુ ઘણી વખત એવી પણ ફરિયાદો જોવા મળે છે કે કેટલાક લોકો વ્યક્તિગત વેરઝેર કે અન્ય કારણોસર ખોટી ફરિયાદો પણ નોંધાવે છે. આવી પરિસ્થિતિમાં સાચા પીડિતોને ન્યાય મળવો વધુ મુશ્કેલ બની જાય છે. આ કાયદો ગરીબ અને પીડિત સમાજને સુરક્ષા આપવા માટે બનાવવામાં આવ્યો છે અને અમે તેની ભાવનાનું સન્માન કરીએ છીએ. પરંતુ વાસ્તવમાં જોવામાં આવે તો ગુજરાતમાં ઘણા લોકો પોતાને સુરક્ષિત અનુભવતા નથી. મોટા ભાગની એટ્રોસિટી સંબંધિત ફરિયાદો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી છે અને ઘણી જગ્યાએ એવું નોંધાયું છે કે કેટલીક ફરિયાદો ખોટી પણ સાબિત થઈ છે. તેનો અર્થ એ નથી કે કાયદાની જરૂર નથી, પરંતુ કાયદાનો દુરુપયોગ ન થાય તે માટે પણ સતર્ક રહેવું જરૂરી છે. દલિત અને આદિવાસી સમાજને સુરક્ષા આપવા માટે બનાવવામાં આવેલો આ કાયદો સાચા અર્થમાં અમલમાં આવે અને તેનો ખોટો ઉપયોગ ન થાય તે માટે વ્યવસ્થા મજબૂત બનવી જરૂરી છે.
ઇસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે કાયનાતબેન અને આમ આદમી પાર્ટીના નેતાઓ જનતા રેડ ચાલુ રાખશે. આવનારા સમયમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સમગ્ર ગુજરાતમાં જનતા રેડ કરશે. જો તમારી પાસે તાકાત હોય તો પચાસ હજાર લોકોને જેલમાં નાખીને બતાવો. હું પણ જોઈશ કે હર્ષ સંઘવી અને ભુપેન્દ્ર પટેલની ‘સિંઘમ’ પોલીસમાં કેટલી તાકાત છે. આજે કચ્છમાં એક યુવાને આપઘાત કર્યો છે, પરંતુ તેને પોલીસ ન્યાય આપી શકતી નથી. ભાજપના નેતાઓને પકડવામાં પોલીસ ડરે છે, જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ સામે ‘સિંઘમ’ બની જાય છે. બ્રહ્મ સમાજના દીકરાએ સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી, સુસાઇડ નોટમાં ભાજપના નેતાઓ સહીત 18 લોકોના નામ લખ્યા પરંતુ પોલીસે ભાજપના 16 લોકોને હાથ પણ નથી લગાડ્યો અને બે જે ભાજપના નથી તેમની ધરપકડ કરી, આ છે સિંઘમ પોલીસ? તેનો અર્થ એ થાય છે કે કાનૂન વ્યવસ્થા ભાજપના ઈશારે ચાલી રહી છે.




