
મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આજે આખા ભારત દેશ પર એલપીજી ગેસનું સંકટ વધુ ભયાનક સ્વરૂપ લઈ રહ્યું છે. આજે મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, બેંગ્લોર સહિત અનેક શહેરોમાં ઔદ્યોગિક એકમો બંધ થઈ ગયા છે જેના કારણે કરોડોની સંખ્યામાં લોકોના જીવન પર ખરાબ અસર પડી રહી છે, લોકોની રોજગારી છીનવાઈ રહી છે. આવા સમયમાં દેખાઈ રહ્યું છે કે સરકાર આગોતરૂ આયોજન કરવામાં નિષ્ફળ ગઈ છે, જેના કારણે આજે આખા દેશમાં ગેસ સિલિન્ડરની કાળા બજારી થઈ રહી છે. આ સમગ્ર મામલાને લઈને આજે આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર સંગઠન દ્વારા પ્રદેશ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રદેશના પદાધિકારીઓ, સ્થાનિક પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
આ વિરોધ પ્રદર્શન દરમિયાન આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી અને પ્રદર્શનને કચળી નાખવાની કોશિશ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીની માંગ છે કે હાલ દેશના લોકોને તકલીફ ન પડે અને સંકટનો લાભ લઈને કોઈ વચેટીયા કે મળતીયાઓ સામાન્ય લોકોનો અધિકાર ન છીનવી લે એ રીતે ગેસ વિતરણની પ્રક્રિયાને પારદર્શક બનાવવામાં આવે. આમ આદમી પાર્ટીની માંગ છે કે હાલ જો ક્યાંય પણ ગેસના પુરવઠાની કાળાબજારી થતી હોય તો તેને તાત્કાલિક પકડી લેવામાં આવે અને ગેરરીતિ કરનારા ઉપર કાર્યવાહી કરવામાં આવે. ઠેર ઠેર આજે દેશમાં ગેસ સિલિન્ડરના ભાવ ડબલથી પણ વધી ગયા છે જેને પણ કંટ્રોલ કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીની માંગ છે. કોરોનામાં લાગવગ ધરાવતા લોકોને બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શન મળી જતા હતા, સામાન્ય લોકો પીડાતા હતા. નોટબંધીમાં લાગવગ ધરાવતા લોકોની ગમે તેટલી નોટો લાઈનમાં ઉભા રહ્યા વિના જ ઝડપથી બદલાઈ જતી હતી, સામાન્ય લોકો પીડાતા હતા. આવી પરિસ્થિતિ આ વખતે ઉભી ન થાય એની પુરતી કાળજી લેવામાં આવે.




