
ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં ગઈકાલે પડેલા વરસાદને કારણે સ્થાનિક માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વ્યાપક નુકસાન થયું છે. આધુનિક સુવિધાઓ અને મોટા શેડ હોવા છતાં, ખુલ્લામાં રાખવામાં આવેલી અંદાજે ૫,૦૦૦ ગૂણીથી વધુ મગફળી વરસાદના પાણીમાં પલળી ગઈ છે, જેનાથી ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
મહુવા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા વેચાણ માટે લાવવામાં આવેલી મગફળીને સુરક્ષિત રાખવા માટે આધુનિક સુવિધાઓ સાથેના મોટા શેડ બનાવવામાં આવ્યા છે. પરંતુ, ગઈકાલે ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદ પહેલા આ મગફળીને શેડમાં ખસેડવામાં આવી ન હતી. મગફળીનો ઉતારો ખુલ્લામાં જ આપવામાં આવ્યો હોવાથી અચાનક આવેલા વરસાદને કારણે અંદાજે ૫,૦૦૦ થી વધુ ગૂણી મગફળી સંપૂર્ણપણે પલળી ગઈ. આ ઘટનાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે. આખા વર્ષની મહેનત બાદ જ્યારે પાક તૈયાર થઈને વેચાણ માટે યાર્ડમાં પહોંચે, ત્યારે આવી બેદરકારીને કારણે નુકસાન થવું એ ખેડૂતો માટે અત્યંત દુ:ખદ છે. પાકના અંતિમ તબક્કે, જ્યારે ખેડૂતોને સારા ભાવની અપેક્ષા હતી, તે સમયે મગફળી પલળી જવાથી તેઓને વ્યાપક નુકસાન વેઠવાનો વારો આવશે.
આ ઘટના યાર્ડના સંચાલન પર પણ સવાલો ઊભા કરે છે, કારણ કે આવી આધુનિક સુવિધા હોવા છતાં તેનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આ મામલે સત્તાધીશો દ્વારા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.
