
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો બાળક દત્તક લેનારી મહિલાઓને પણ મળશે મેટરનિટી લીવ પરિવાર નિર્માણ માટે દત્તક લેવા જેવી નોન-બાયોલોજીકલ પદ્ધતિઓ પણ કુદરતી પદ્ધતિ જેટલી જ કાયદેસર અને સન્માનજનક છે
સુપ્રીમ કોર્ટે મહિલાઓના હિતમાં એક ઐતિહાસિક અને સંવેદનશીલ ર્નિણય લેતા સ્પષ્ટ કર્યું છે કે, દત્તક લીધેલા બાળકની માતાને પણ જન્મ આપનારી માતાની જેમ જ ‘મેટરનિટી લીવ‘ મેળવવાનો પૂરો હક છે. અદાલતના આદેશ મુજબ, બાળકની ઉંમર ૩ મહિનાથી વધુ હોવાના આધારે કોઈ પણ મહિલાને મેટરનિટી લીવ આપવાથી વંચિત રાખી શકાય નહીં. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે માતૃત્વની સુરક્ષા એ પાયાનો માનવાધિકાર છે અને પરિવાર નિર્માણ માટે દત્તક લેવા જેવી નોન-બાયોલોજીકલ પદ્ધતિઓ પણ કુદરતી પદ્ધતિ જેટલી જ કાયદેસર અને સન્માનજનક છે.
આ કેસની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે સોશિયલ સિક્યુરિટી કોડ, ૨૦૨૦ની કલમ ૬૦(૪)ને ગેરબંધારણીય ઠેરવી છે. આ કલમ મુજબ, અત્યાર સુધી માત્ર એ જ મહિલાઓને મેટરનિટી લીવ મળતી હતી જેઓ ૩ મહિનાથી ઓછી ઉંમરના બાળકને દત્તક લેતી હતી. કોર્ટે આ જાેગવાઈને સમાનતાના અધિકાર(અનુચ્છેદ ૧૪) અને જીવવાના અધિકાર (અનુચ્છેદ ૨૧)નું ઉલ્લંઘન ગણાવ્યું છે. અદાલતે કહ્યું કે દત્તક લીધેલું બાળક બાયોલોજીકલ બાળકથી અલગ નથી અને માતા તેમજ બાળક વચ્ચેના સંબંધો કેળવવા માટે રજા મળવી અનિવાર્ય છે.
આ મામલો કર્ણાટકના વકીલ હમસાનંદિની નંદુરીની અરજી બાદ સામે આવ્યો હતો. તેમણે જ્યારે સાડા ચાર વર્ષની બાળકી અને બે વર્ષના બાળકને દત્તક લીધા, ત્યારે તેમના એમ્પ્લોયર દ્વારા રજા આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો હતો કારણ કે બાળકોની ઉંમર ૩ મહિનાથી વધુ હતી.
આ ભેદભાવ સામે લડતા સુપ્રીમ કોર્ટે હવે દેશભરની કામકાજી દત્તક માતાઓ માટે ન્યાયના દ્વાર ખોલ્યા છે. આ સાથે જ કોર્ટે કેન્દ્ર સરકારને ‘પિતૃત્વ રજા માટે પણ યોગ્ય નીતિ ઘડવા અંગે વિચાર કરવા સૂચન કર્યું છે, જેથી પિતા પણ બાળકની સંભાળમાં યોગ્ય યોગદાન આપી શકે.




