
નીતિન નવીનની ટીમનો થશે વિસ્તાર સંગઠનમાં ૩૩ ટકા મહિલાને પણ મળી શકે છે સ્થાન બિહાર અને યુપી કેબિનેટમાં થઈ શકે છે વિસ્તાર ૪ મેએ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં ઘણા મોટા ર્નિણય થવાની સંભાવના છે. તેમાં પાર્ટી અધ્યક્ષ નીતિન નવીનની ટીમની રચનાથી લઈને ઉત્તર પ્રદેશ અને બિહારમાં કેબિનેટ વિસ્તાર સુધી સામેલ છે. ભાજપના સૂત્રો અનુસાર સરકાર અને સંગઠન પ્રમાણે મે મહિનામાં ઘણા મોટા ફેરફાર થઈ શકે છે. લાંબા સમયથી અટવાયેલા ઘણા ર્નિણય મેમાં લાગૂ થવાની સંભાવના છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારમાં ફેરબદલ સામેલ છે. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે. તે પહેલા યોગી કેબિનેટ વિસ્તારની તૈયારી કરી લેવામાં આવી છે.
સૂત્રો અનુસાર ખાલી પડેલા પદો ભરવા સિવાય અન્ય ફેરફાર થઈ શકે છે. તેમાં વર્તમાન મંત્રીઓની જવાબદારીમાં ફેરફાર થવાની સંભાવના છે. પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરીની સરકારમાં વાપસી નક્કી માનવામાં આવી રહી છે. આવનાર ચૂંટણીને ધ્યાનમાં રાખી પ્રાદેશિક અને જાતીય સમીકરણોનું પણ ધ્યાન રાખવામાં આવશે. ભાજપના નેતાઓ અનુસાર કેબિનેટમાં ફેરફારની સાથે પ્રદેશ ભાજપની નવી ટીમ બનાવવાની સંભાવના છે. પ્રદેશ અધ્યક્ષ પંકજ ચૌધરીની નવી ટીમ અને યોગી કેબિનેટ બંનેનો ર્નિણય કરવા સમયે આગામી વિધાનસભા ચૂંટણીનું ધ્યાન રાખવામાં આવશે.
આ સાથે બિહારમાં પણ સમ્રાટ કેબિનેટનો વિસ્તાર થવાનો છે. ભાજપ-જેડીયુ ફોર્મ્યુલા અનુસાર બંનેની પાસે ૧૬-૧૬ મંત્રી પદ રહેવાની સંભાવના છે. વર્તમાનમાં મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની પાસે જે વિભાગ છે તે ભાજપમાંથી બનનારા મંત્રીઓને અને જેડીયુના બંને નાયબ મુખ્યમંત્રીઓ પાસે રહેલા વિભાજ જેડીયુમાંથી બનનાર મંત્રીઓને આપવામાં આવશે.આ રીતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ટીમની જલ્દી જાહેરાત થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે નવી ટીમમાં અનુભવી અને યુવા નેતાઓને જગ્યા આપવામાં આવશે. તેમાં ૩૩ ટકા મહિલાઓને પણ સ્થાન આપવામાં આવી શકે છે.



