
અમદાવાદમાં પતિ-પત્ની વચ્ચે સંઘર્ષના વર્ષે ૮૦૦૦ કેસ સામાજિક મૂલ્યોમાં આવતા પરિવર્તન અને બદલાતી જીવનશૈલીથી લગ્નજીવનમાં તિરાડ પડવાના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે.ભારતીય સમાજમાં લગ્નને સાત જન્મના અતૂટ બંધન માનવામાં આવે છે. પરંતુ બદલાતી જીવનશૈલીમાં દંપતી વચ્ચે અહમનો ટકરાવ, આર્થિક સ્વતંત્રતા, સ્વની ભાવના તેમજ વૈચારિક મતભેદના બનાવોના કારણે આજે અમદાવાદમાં છૂટાછેડા, હિંસા તેમજ ભરણપોષણના મુદ્દે વર્ષે ૮થી ૧૦ હજાર યુગલો અદાલતના આંગણે પહોંચે છે. આધુનિકતાની દોડમાં આજે સંબંધોની ગરિમાં અને સમજદારી ધીમે ધીમે ખોવાઈ રહી હોય તેવું ચિત્ર સર્જાયું છે. સામાજિક મૂલ્યોમાં આવતા પરિવર્તન અને બદલાતી જીવનશૈલીથી લગ્નજીવનમાં તિરાડ પડવાના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ ફેમિલી કોર્ટમાં ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૬ સુધીમાં છૂટાછેડા માટેના ૧૦,૨૦૦ કેસ તથા ભરણપોષણ અને હિંસાના ૧૦,૩૦૦ કેસ નોંધાયા છે, જે સામાજિક મૂલ્યોમાં આવી રહેલા પડકારજનક પરિવર્તનનો ચિતાર આપે છે. જેનો સૌથી વધુ ભોગ ૨૦થી ૩૦ વર્ષના યુવા દંપતીઓ બની રહ્યા છે.કાયદાના જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને પક્ષે ઘટતી સહનશક્તિ તથા સ્વતંત્ર રહેવાની ભાવનાથી યુવા દંપતીઓ લગ્નના ૧-૨ વર્ષમાં છૂટા પડી જાય છે. ૧૦૦એ૧૦ કેસ એવા હોય છે જેમાં સોશિયલ મીડિયા માં પાંગરેલા પ્રેમમાં લગ્ન કરી છએક મહિનામાં જ છૂટા પડી જાય છે. યુવાનો જ નહીં ૧૨-૧૫ વર્ષના લગ્ન જીવન બાદ પણ સોશિયલ મીડિયાનો અતિરેક, એકબીજા સાથે અહમ ટકરાવવો, વિભક્ત કુટુંબનો આગ્રહ જેવા કારણોથી યુગલો છૂટાછેડાના અંતિમ ઉંબરે પહોંચતાં હોવાથી તેઓના બાળકોનું ભવિષ્ય પણ કચડાઈ જાય છે. દંપતી વચ્ચે ફરી સુમેળ કરાવવા ન્યાયતંત્ર મધ્યસ્થી માટે કાઉન્સિલર પણ નીમે છે. પરંતુ પરસ્પર વિશ્વાસનો અભાવ અને ઘટતી સહનશક્તિના કારણે ૪૦થી ૫૦ ટકા કેસમાં કાઉન્સિલિંગ બાદ પણ દંપતી છૂટાછેડાની વાત પર અડગ રહે છે. ૮૦ વર્ષના એક દાદા છૂટાછેડા લેવા પહોંચતા કોર્ટ પરિસરમાં ચકચાર મચી હતી. એ પહેલા એક ૬૦ વર્ષ આસપાસના દંપતીએ બાળકો મોટા થાય ત્યાં સુધી તેમની જવાબદારી નિભાવી, પણ હવે એકબીજાની આદતોથી કંટાળી સ્વતંત્ર રહેવું છે તેમ કહી લગ્નજીવનના લગભગ ૪ દાયકા પછી અલગ થવાનો ર્નિણય લીધો હતો. અમદાવાદની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા લેવા છેલ્લાં કેટલાય સમયથી ૫૦થી વધુ ઉંમરના દંપતીની લાઇન લાગેલી જાેવા મળે છે.



