
કલ્પસર યોજના હજી પણ કલ્પનામાં છે.ગુજરાતના વિધાનસભાના સત્ર દરમિયાન કલ્પસર યોજના વિશે ચર્ચા.ગુજરાતમાં ૧૮ વર્ષમાં સરકાર તો અનેક બદલાઈ ગઈ, છતાં કલ્પસર યોજનાનું કામ શરૂ થઈ શક્યું નથી.હાલમાં ચાલી રહેલા ગુજરાતના વિધાનસભાના સત્ર દરમિયાન કલ્પસર યોજના વિશે ભારે ચર્ચા થઈ. કારણ કે, ૧૮ વર્ષના વહાણ વીતી ગયા, પરંતું કલ્પસર યોજના સરકારી કાગળોમાંથી ક્યારેય બહાર આવી નથી. છતાં દર વર્ષે આ યોજના પાછળ કરોડો રૂપિયાનું બજેટ ફાળવાય છે, અને ખર્ચ પણ કરાય છે.
સરકારે જાહેર કરેલી કલ્પસર યોજના હજુ પણ કલ્પનાઓમાં છે તેવું ખુદ સરકાર સ્વીકારે છે. ૨૦૦૩ માં અપાયેલી વહીવટી મંજૂરીના ૨૩ વર્ષ બાદ પણ કલ્પસર યોજના ખોરંભે ચઢી છે. ૧૮ વર્ષમાં ૬ મુખ્યમંત્રી બદલાયા. ડઝનેક જેટલા ચીફ સેક્રેટરી નિવૃત્ત થયા, પરંતું કલ્પસર યોજનાને પગ ન આવ્યા. પરંતું ૧૮ વર્ષમાં આ યોજના કરોડો રૂપિયા ખાઈ ગઈ છે. સરકારી આંકડા જ કહે છે કે, જે યોજનાનો ખર્ચ ૨૫ હજાર કરોડ હતો, તેને બદલે હવે તે ૧ લાખ કરોડ પર પહોંચી જશે.
ગુજરાતમાં જળક્રાંતિ લાવવા માટે કલ્પસર યોજના લાવવામાં આવી હતી. આ યોજના સરદાર સરોવર નર્મદા યોજના બાદની ગુજરાતની સૌથી મોટી યોજના છે. જેમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના લાખો લોકોને પીવાનું તથા સિંચાઈનું પાણી પહોંચાડવાનું આયોજન છે. પરંતું આ યોજના હજી પણ સરકારી ચોપડે છે, તે વાસ્તવિકતા બની નથી. ૧૮ વર્ષમાં તેનો પ્રોજેક્ટ રિપોર્ટ પણ તૈયાર થયો નથી, છતાં દર વર્ષે તેના માટે સરકાર બજેટમાં રૂપિયા ફાળવે છે.
કોંગ્રેસના સ્ન્છ અમિત ચાવડાના પ્રશ્નમાં સરકારે લેખિતમાં જવાબ આપ્યો કે, છેલ્લા ૨ વર્ષમાં યોજના માટે ૮ સર્વે રિપોર્ટ પાછળ સરકારે ૨.૨૬૮ કરોડનો ખર્ચ કર્યો હતો. ૨૨.૧.૨૦૦૩ ના રોજ પૂર્ણ શક્યતદર્શી અહેવાલ તૈયાર કરવા ર્નિણય લેવાયો હતો. વર્ષ ૨૦૦૨ માં સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. તે.સમયે તેનો અંદાજિત ખર્ચ ૨૫૦૦૦ કરોડ આંકવામાં આવ્યો હતો. પરંતું હવે તો આ યોજનાનું આયુષ્ય ૧૮ વર્ષ થઈ ગયું છે. તેથી આ પ્રોજેક્ટનો ખર્ચ વધીને અંદાજે ૧ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. માત્ર તેના રિપોર્ટ તૈયાર કરવા પાછળ જ ૨૫૦ કરોડથી વધુનો ધુમાડો થઈ ચૂક્યો છે. હવે એ વાત કરીએ કે આ યોજના ગુજરાત માટે કેટલી જરૂરી છે. અને શા માટે સરકાર આ યોજના પાછળ કરોડો રૂપિયાનું એંધાણ કરે છે. હકીકતમાં આ યોજના સાકાર થશે તો સૌરાષ્ટ્રના છેવાડના માનવીઓ સુધી બારેમાસ પીવાનું પાણી મળશે. આ યોજનાનો મુખ્ય હેતુ દરિયામાં વહી જતા મીઠા પાણીને રોકવાનું છે. આ યોજનાનો હેતુ ખંભાતના અખાતમાં વહી જતી રાજ્યની સાતથી વધુ નદીઓના મીઠા પાણીને રોકીને ત્યાં એક વિશાળ મીઠા પાણીનું સરોવર અને ડેમ બનાવવાનો છે. આ પાણી સૌરાષ્ટ્રને મોકલવામાં આવશે. આ ઉપરાંત, પ્રોજેક્ટ અંતર્ગત ખંભાતના અખાત પર ૩૦ કિલોમીટર લાંબો હાઇવે બનાવવાનું પણ આયોજન છે, જે ભરૂચના દહેજ અને ભાવનગરના ઘોઘા વચ્ચેનું અંતર ઘટાડી દેશે. જ્યારે જ્યારે વિધાનસભા ગૃહમાં કલ્પસર યોજનાની વાત નીકળે છે ત્યારે સરકાર હંમેશા એમ કહીને વાત ટાળી દે છે કે, MLA બનાવવાની કામગીરી અંતિમ તબક્કામાં છે. સરકાર હંમેશા ટેકનિકલ અવરોધ અને દરિયાઈ ભરતી-ઓટના રિસર્ચનું રટણ કર્યા કરે છે. હવે લગભગ આ યોજનાના પ્લાનિંગને ૧૮ વર્ષ થઈ ગયા છે, તેથી ગુજરાતની જનતાએ આ યોજનાની આશા છોડી દેવી જાેઈએ. આ પ્રોજેક્ટને ક્યારે પગ આવશે તેવો પ્રશ્નો પણ પૂછવાના અર્થહીન છે. કારણ કે, સરકાર પાસે તેનો કોઈ ચોકક્સ જવાબ નથી. ન તો સરકાર આ પ્રોજેક્ટ ક્યારે આકાર લેશે તે અંગે મગનું નામ મરી પાડે છે. પરંતું એક વાત ચોક્કસ છે, આ યોજના માટે સરકાર હજી પણ કરોડો રૂપિયા ફાળવી રહી છે, અને આ યોજનાને કારણે સરકારી તિજાેરી પર ભાર પડી રહ્યો છે.




