
ગુજરાતની રાજનીતિના મોટા સમાચાર.જેઠા ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું.વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યું.ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેઠા ભરવાડે (આહીર) ગુજરાતના વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. જેઠા ભરવાડે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને પોતાનું રાજીનામું સોંપ્યું છે. કામના ભારણનું કારણ બતાવીને જેઠા ભરવાડે રાજીનામું આપ્યાંનું સામે આવી રહ્યું છે. જેઠાભાઈ આહીરે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને જઈને પોતાનું રાજીનામું સોંપ્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સંગઠન મંત્રી રત્નાકરજી પણ ઉપસ્થિત રહ્યા હતા. અધ્યક્ષ શંકરભાઈએ જેઠાભાઈ આહીરના રાજીનામાને સ્વીકાર્યું હોવાનું અધિકૃત રીતે જાહેર કરવામાં આવ્યું છે. રાજીનામા પાછળ જેઠાભાઈ આહીરે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, તેમની ઉપર અન્ય હોદ્દાઓની જવાબદારીઓ વધતા તેઓ ઉપાધ્યક્ષ પદ માટે પૂરતો સમય આપી શકતા નથી, જેના કારણે તેમણે આ ર્નિણય લીધો છે. જાેકે રાજીનામું અચાનક આવ્યું હોવાથી વિધાનસભા અને રાજકીય વર્તુળોમાં વિવિધ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. જેઠાભાઈ આહીર રાજ્યના અનુભવી રાજકારણી ગણાય છે અને વિધાનસભામાં તેમની ભૂમિકા સક્રિય અને સંતુલિત રહી છે. ઉપાધ્યક્ષ તરીકે તેમણે સભાની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમના રાજીનામાથી હવે આ પદ ખાલી પડ્યું છે અને આગામી દિવસોમાં આ પદે નવી નિમણૂક અંગે રાજકીય ચર્ચાઓ તેજ બનવાની શક્યતા છે.
હાલ સુધી સરકાર કે પક્ષ તરફથી રાજીનામા પાછળ અન્ય કોઈ કારણ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. સત્તાવાર રીતે વ્યસ્તતાનું કારણ જ આગળ ધરવામાં આવ્યું છે. તેમ છતાં, વિધાનસભાના મહત્વના પદ પરથી અચાનક રાજીનામું આવતા રાજકીય તાપમાન વધ્યું હોવાનું સ્પષ્ટ રીતે જાેવાઈ રહ્યું છે.
આગામી દિવસોમાં ઉપાધ્યક્ષ પદ માટે કોણ જવાબદારી સંભાળશે અને આ રાજીનામા પાછળ કોઈ રાજકીય સંકેત છુપાયેલો છે કે નહીં, તે અંગે સ્પષ્ટતા થવાની શક્યતા છે. હાલ માટે તો જેઠાભાઈ આહીરના રાજીનામાને માત્ર વહીવટી અને વ્યસ્તતાના કારણસર લેવાયેલો ર્નિણય ગણાવી શકાય છે. પરંતુ , અંદરના રહસ્યો ટૂંક સમયમાં બહાર આવી શકે છે.




