
સિંચાઈના અભાવે ખેડૂતો મુશ્કેલીમાં! ઓરસંગ નદી પર ડેમ ન બનતાં લાખો ક્યુસેક પાણી દરિયામાં વેડફાયું રેતીની રોયલ્ટીની આવક અને નેતાઓની રેતીની લીઝો બચાવવાના ચક્કરમાં તંત્ર દ્વારા ડેમનું નિર્માણ કરવામાં આવતું નથી
રાજ્ય સરકાર દ્વારા એકતરફ જળ સંચય અને પાણી બચાવવાની મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી પર આજદિન સુધી એક પણ મોટો ડેમ બનાવવામાં આવ્યો નથી. ઓરસંગ નદીમાંથી દર વર્ષે ચોમાસા દરમિયાન લાખો ક્યુસેક પાણી દરિયામાં વહી જાય છે. સ્થાનિકો અને ખેડૂતોનો આક્ષેપ છે કે રેતીની રોયલ્ટીની આવક અને નેતાઓની રેતીની લીઝો બચાવવાના ચક્કરમાં તંત્ર દ્વારા ડેમનું નિર્માણ કરવામાં આવતું નથી.મધ્ય પ્રદેશમાંથી નીકળતી ઓરસંગ નદી છોટા ઉદેપુર જિલ્લાના છોટા ઉદેપુર, પાવીજેતપુર, બોડેલી અને સંખેડા એમ ચાર તાલુકામાંથી આશરે ૯૦ કિલોમીટરના વિસ્તારમાં પસાર થાય છે. આ નદીના કાંઠે ૫૦૦થી વધુ ગામો આવેલા છે. ચોમાસામાં નદી બે કાંઠે વહે છે ત્યારે પાણીનો મોટો જથ્થો વેડફાઈ જાય છે. જાે આ ૯૦ કિલોમીટરના વિસ્તારમાં ૨થી ૩ નાના-મોટા ડેમ કે ચેકડેમ બનાવવામાં આવ્યા હોત, તો સમગ્ર જિલ્લાને જળ સંકટમાંથી કાયમી મુક્તિ મળી શકી હોત. ડેમ ન હોવાથી ચોમાસું પૂરું થતાં જ વિસ્તારમાં પીવાના અને સિંચાઈના પાણીની ગંભીર સમસ્યા ઊભી થાય છે. ખાસ કરીને પાવીજેતપુર અને અન્ય અંતરિયાળ તાલુકાઓને સિંચાઈ માટે ભારે હાલાકી ભોગવવી પડે છે.
સ્થાનિકોમાં ભારે રોષ જાેવા મળી રહ્યો છે કે સરકારને માત્ર ઓરસંગ નદીના વિશાળ પટમાંથી મળતી સફેદ રેતીની કરોડો રૂપિયાની રોયલ્ટીમાં જ રસ છે. છેલ્લા ૫૦ વર્ષમાં તંત્ર દ્વારા અહીં ડેમ બનાવવા માટે કોઈ પણ પ્રકારનો ગંભીર પ્રયાસ કરવામાં આવ્યો નથી. જાે નદી પર ડેમ બને તો રેતીનું ખોદકામ અને રોયલ્ટીની આવક ઘટે તેમજ નેતાઓની લીઝો બંધ થઈ જાય, તેવા સ્વાર્થ ખાતર ખેડૂતોના હિતને કોરાણે મૂકી દેવાયું હોવાનો સુર ઉઠ્યો છે.
સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે કે, જિલ્લાના ધારાસભ્યો, લોકસભાના સાંસદ અને રાજ્યસભાના સાંસદો આ ગંભીર મુદ્દે સરકારમાં તાત્કાલિક રજૂઆત કરે. ઓરસંગ નદી પર યોગ્ય જગ્યાઓ નક્કી કરીને ડેમ બનાવવા માટે તાકીદે ટેકનિકલ સર્વે કરાવવામાં આવે.
દરિયામાં વહી જતાં પાણીને રોકીને છોટા ઉદેપુર જિલ્લાના ખેડૂતો માટે સિંચાઈની કાયમી વ્યવસ્થા કરવામાં આવે.




