
આમ આદમી પાર્ટી વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, આજે ઊર્જા ભર્યો દિવસ છે, આજે ખરેખર ખુશીનો દિવસ છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના લોકપ્રિય સામાજિક આગેવાન, તમામ સમાજ સાથે જેમનો ઊંડો સંબંધ છે અને જનસેવાના કામો કરતા કરતા જેમણે સમાજમાં યશ અને પ્રતિષ્ઠા મેળવી છે એવા નાનજીભાઇ ચોવટીયા અને તેમની આખી ટીમ આમ આદમી પાર્ટી સાથે જોડાઈ છે. સમાજમાં જેમનું ખરેખર માન છે એવા આગેવાનો પાર્ટી સાથે જોડાય એ અમારા માટે ખૂબ ગર્વની બાબત છે. હું તેમનું પાર્ટીમાં સ્વાગત કરું છું અને તેમની આખી ટીમનું હાર્દિક સ્વાગત છે. સાથે સાથે હું તેમનો આભાર વ્યક્ત કરું છું કે તેમણે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લીધો છે. આજની રાજનીતિની જે દશા થઈ છે, તેમાં ચારેબાજુ ગુંડાઓ, તોડફોડ કરનારાઓ, ભ્રષ્ટાચારીઓ અને સમાજમાં ડર ફેલાવનાર લોકો રાજનીતિના ઊંચા પદ પર પહોંચી ગયા છે. ગ્રામ પંચાયતથી લઈને વિધાનસભા સુધી સમાજને નડતરરૂપ લોકોનો દબદબો વધ્યો છે. એવા સમયમાં સારા માણસો એક જગ્યાએ ભેગા થાય અને એક સારા રાજકીય પ્લેટફોર્મ પર આવે, એ સમયની માંગ છે. ગુજરાતમાં વારંવાર સરકારે કલેક્ટરો, મામલતદારો અને પોલીસ અધિકારીઓને પરિપત્ર કરવો પડે છે કે ધારાસભ્યોનું માન-સન્માન જળવાઈ રહે. એથી સ્પષ્ટ થાય છે કે ભાજપના રાજમાં ધારાસભ્યોને પણ પૂરતું માન મળતું નથી. હું વિપક્ષનો ધારાસભ્ય છું, એટલે મને માન ન મળે એ સહજ છે, પરંતુ ભાજપના પોતાના ધારાસભ્યોને પણ તંત્ર પાસે માન ન મળતું હોય તો એ ખરેખર ચિંતાનો વિષય છે.
ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતુ કે હાલ પરિસ્થિતિ ખૂબ કપરી છે. આ વર્ષે બે વાર માવઠા આવ્યા છે, નવેમ્બર-ડિસેમ્બર પછી ફરી વરસાદ આવ્યો છે. અમે આશા રાખીએ છીએ કે આ ચૂંટણીમાં ખેડૂતોની સરકાર બને. તાલુકા, જિલ્લા, નગરપાલિકા અને મહાનગરપાલિકા સ્તરે ખેડૂતો માટે કામ કરતી સરકાર બને. કાલાવડની જનતાનો વિશેષ આભાર માનું છું. તેમજ વિસાવદરની જનતાનો પણ દિલથી આભાર માનું છું કે જેમણે મને સેવા કરવાની તક આપી. નાનજીભાઈ જેવા અનુભવી અને પ્રતિષ્ઠિત આગેવાનો જોડાતા પાર્ટીને મોટુ બળ મળે છે. આમ આદમી પાર્ટી સામાન્ય પરિવારમાંથી આવેલા યુવાનોની પાર્ટી છે, અને હવે આવા અનુભવી આગેવાનો જોડાતા અમને માર્ગદર્શન અને સહારો મળે છે. સમાજમાં જે લોકોનો વિશ્વાસ હોય એવા આગેવાનો જોડાય, તો લોકોનો પાર્ટી પર વિશ્વાસ વધુ મજબૂત બને છે. કાલાવડમાં પણ વિસાવદરવાળી થશે. અમે નવા યુવાનો છીએ, સંઘર્ષ કરીએ છીએ અને પ્રામાણિકતાથી કામ કરીએ છીએ. અમારી આશા છે કે અમારી સચ્ચાઈ, નિષ્ઠા અને હિંમત લોકો સુધી પહોંચશે અને લોકો અમને આશીર્વાદ આપશે અને એ આશીર્વાદથી તાલુકા અને જિલ્લામાં અમારી સરકાર બનશે.




