
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
ગુજરાત હાઈકોર્ટે બેન્ક હરાજી ધ્વારા ખરીદાયેલી મિલકતોના કિસ્સામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. આ બાબતે હાઈકોર્ટે સાફ શબ્દોમાં જણાવ્યુ છે કે જો કોઈ વ્યક્તિએ બેન્કની કાયદેસરની હરાજી પ્રક્રિયા ધ્વારા મિલકત ખરીદી હોય તો સંબંધિત સરકારી સત્તાવાળાઓ કે નોંધણી અધિકારીઓ તેના વેચાણ દસ્તાવેજ અથવા વેચાણ પ્રમાણપત્રની નોંધણી કરવાનો ઇન્કાર કરી શકે નહીં. આ બાબતે નામદાર અદાલતે વધુમાં સ્પષ્ટતા કરી છે કે ભલે આવી મિલકત પર વેટ વિભાગ કે અન્ય કોઈ સરકારી લેણાંનો બોજો બોલતો હોય તેમ છતાં બેન્ક ધ્વારા જારી કરાયેલા વેચાણ પ્રમાણપત્રની નોંધણી કરવી સત્તાવાળાઓ માટે બંધનકર્તા છે. જસ્ટીસ હેમંત એમ.પ્રચ્છકની અદાલતે ભાવનગરની એક મિલકતના વિવાદમાં આ ચુકાદો આપ્યો હતો.
સદર કેસની વિગતો મુજબ “મેસર્સ રાજ પિક્ચર હાઉસ” ની માલિકીની એક મિલકત વર્ષ ૨૦૧૩ માં બેન્ક ઓફ બરોડામાં ગીરે મૂકવામાં આવી હતી. મૂળ માલિક લોન ભરપાઈ કરવામાં નિષ્ફળ જતાં બેન્કે સરફેસાઈ (SARFAESI) એકટ હેઠળ વસૂલાતની કાર્યવાહી હાથ ધરી મિલકતની જાહેર હરાજી કરી હતી. આ હરાજીમાં અરજદાર તૃષાલી વૈભવ શાહે સફળ બોલી લગાવી હતી અને ઓક્ટોબર ૨૦૨૩ માં રૂપિયા ૧.૯૬ કરોડનું વેચાણ પ્રમાણપત્ર મેળવ્યું હતું.
જોકે જ્યારે ખરીદનાર મિલકતના દસ્તાવેજ (ડીડ ઓફ કન્વેયન્સ) ની નોંધણી કરાવવા સબ-રજીસ્ટાર કચેરીએ પહોંચ્યા ત્યારે અધિકારીઓએ નોંધણી કરવાનો સાફ ઈન્કાર કરી દીધો હતો. તંત્રની દલીલ હતી કે વર્ષ ૨૦૧૬ માં વેટ વિભાગ ધ્વારા આ મિલકત પર જપ્તીનો હુકમ કરવામાં આવ્યો હતો અને સરકારી બોજો હોવાને કારણે તેની નોંધણી થઈ શકે નહીં. આ નિર્ણય સામે અરજદારે હાઇકોર્ટના ધ્વાર ખખડાવ્યા હતા.
અરજદારના વકીલે અદાલતમાં દલીલ કરી હતી કે સરફેસાઈ એકટ હેઠળ સુરક્ષિત નાણાંકીય સંસ્થાઓના દાવાઓને પ્રાધાન્ય મળે છે. અને નોંધણી અધિકારીઓ કાયદેસરની હરાજી પ્રક્રિયાને અવરોધી શકે નહી. નામદાર ગુ.હાઇકોર્ટે આ દલીલોને ગ્રાહ્ય રાખતા અવલોકલન કર્યું કે નોંધણી અધિકારીઓએ પોતાના અધિકારક્ષેત્રની મર્યાદા ઓળંગીને કામ કર્યું છે. અદાલતે સત્તાવાળાઓના ઇનકાર કરતાં હુકમને રદબાતલ ઠેરવ્યો હતો આને આદેશ આપ્યો હતો કે બેન્ક અને અરજદાર વચ્ચેના વેચાણ દસ્તાવેજની નોંધણી પ્રક્રિયા તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. આ ચુકાદાને કારણે હવે રાજયભરમાં બેન્ક હરાજી ધ્વારા મિલકત ખરીદનારા સેંકડો લોકો માટે મોટો માર્ગ મોકળો થયો છે. હવેથી સરકારી વિભાગોના જૂના લેણાં કે બોજા ને બહાનું બનાવીને નોંધણી અધિકારીઓ કાયદેસરના ખરીદદારોને હેરાન કરી શકશે નહી. જે મિલકત બજાર અને બેંકિંગ ક્ષેત્ર માટે રાહતના સમાચાર માનવામાં આવે છે.




