
ભારતના દર્શકો માટે હવે બદલો જ નવો રોમાંસ બની ગયો છે ઓડિયન્સ હવે રાજ અને રાહુલને ભુલીને એંગ્રી યંગ મેનની પાછળ
આ સમયનું સૌથી મહત્વનું પાસું એ છે કે એક તરફ ગુસ્સાવાળા પાત્રોની સામે પરંપરાગત સારો હીરો પોતાની અસર ગુમાવી રહ્યો છે
વર્ષાે સુધી હિન્દી સિનેમાએ આપણને સપનાઓ વેચ્યા છે. ૧૯૯૦ના દાયકામાં, તે સ્પનાં પ્રેમનાં હતાં. રાજ હાથ લંબાવે છે, સિમરન ટ્રેન પકડવા દોડે છે. ભવ્ય લાગણીઓ, થોડો બળવો અને પ્રતિકાર અને વિરોધ. કલ્પના એવી હતી કે પ્રેમ દુનિયાને જીતે શકે છે.પછી આવ્યા ૨૦૦૦ના વર્ષાે, જ્યારે આકાંક્ષાઓનું સ્વરૂપ બદલાયું. મલ્ટિપ્લેક્સ સિનેમાએ આપણને કૂલનેસ, મિત્રતા, શહેરી યુવાનોનું દિલ તૂટવું, ડિઝાઇનર કપડાં સાથે પણ પીડામાં જીવતા યુવાનો અને પોલિશ્ડ મુશ્કેલીઓ આપી. હીરો હવે સિસ્ટમ સામે ગુસ્સે નહોતો. તે આ સીસ્ટમ સાથે કામ લેવા સક્ષમ છે, ફ્લર્ટ કરી જાણે છે, નાચી ગાઈને મજા કરે છે.પણ આજે ભારતીય સિનેમામાં એવું પરિવર્તન આવ્યું છે, જેને નકારવું કે અવગણવું બંને મુશ્કેલ છે, ફિલ્મોનો મુખ્ય વિષય હવે પ્રેમ નથી, શક્તિ છે.હવેના સમયની સૌથી મોટી અને સફળ ફિલ્મો નરમાઈ, સંવેદનશીલતા અથવા ભાવનાત્મક તરસ પર આધારિત નથી.
તે ગુસ્સા પર આધારિત છે. એનિમલ, દ્ભય્હ્લ, પુષ્પા, ધુરંધર, ધુરંધર ધ રિવેન્જ કે પછી ઓ રોમિયો, આ બધાની ભવ્યતા, સ્ટાઇલ, સ્લો-મોશન એન્ટ્રી અને કાન ફાડી નાખે એવો બેકગ્રાઉન્ડ સ્કોરને દૂર કરો, તો તમને એક જ ચહેરો કેન્દ્રમાં દેખાશે: એંગ્રી યંગ મેન. આપણે થોડી વાર અટકીને આ અંગે વિચારવું જાેઈએ. કારણ કે એંગ્રી યંગ મેન માત્ર એક મસાલેદાર સિનેમેટિક વાર્તા નથી જેનો દોર ફરી પાછો આવ્યો છે. તે એક સાંસ્કૃતિક સંકેત છે, એક ચેતવણી, દર્શકોના મનમાં શું ચાલી રહ્યું છે તેનું પ્રતિબિંબ.અમિતાભ બચ્ચને ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં આ પાત્રને અમર બનાવ્યું હતું, જ્યારે સરકાર અને વહીવટ પર અવિશ્વાસ, આર્થિક નિરાશા અને સામાજિક અસંતોષે એવો હીરો બનાવ્યો હતો જે શિસ્ત રાખી શકતો નહોતો. તે અન્યાય સામે ગીત ગાતો નહોતો. તે તેને તોડી નાખતો હતો. આજનો બ્લોકબસ્ટર હીરો ગુસ્સે ભરેલો, ઘાયલ, અતિ-પુરુષત્વ ધરાવતો, નૈતિક રીતે ધૂંધળો અને કોઈ પણ સ્થિતિ સ્વીકારી લેવામાં રસ ન ધરાવે એવો છે. તે સિસ્ટમ પાસેથી ન્યાય માંગતો નથી. તે તેને પાર કરી જાય છે. તે તેને તોડી નાંખે છે. કડવી હકીકત એ છે કે આ ફિલ્મો ગુસ્સો બનાવતી નથી, તે પહેલાંથી લોકોનાં મનમાં રહેલા ગુસ્સાને દિશા આપે છે. દેશભરમાં લાખો યુવાનો છે જેમના સપનાઓ અને હકીકત વચ્ચે અંતર વધી રહ્યું છે. તેમને સતત સપના જાેવાનું, મહેનત કરવાનું, સરખામણી કરવાનું અને રાહ જાેવાનું કહેવામાં આવ્યું છે. પણ પરિણામ વચન જેટલી ઝડપથી મળતું નથી. જ્યારે પ્રેમ મોંઘો લાગે, લોકો શક્તિ ખરીદે છે. જ્યારે ન્યાય અશક્ય લાગે, લોકો બળની પૂજા કરે છે. જ્યારે સિસ્ટમ તમને અદૃશ્ય બનાવે, ત્યારે તમે એવા માણસને પ્રોત્સાહન આપો છો જે સિસ્ટમને જ રક્ત રંજિત કરી દે છે.જાે એક પછી એક ફિલ્મો હિંસક, ગુસ્સાભરેલી, સિસ્ટમ વિરોધી પુરૂષ ઊર્જા સાથે હિટ બની રહી છે, તો કદાચ સાચો પ્રશ્ન “ફિલ્મમેકર્સ આ ફિલ્મો કેમ બનાવી રહ્યા છે?” એવો નથી. સાચો પ્રશ્ન છે, “એટલા બધા લોકો પોતાને આ પાત્રોમાં કેમ જુએ છે?” અહીં ઘણા સમીક્ષકો ભૂલ કરે છે.તેઓ આ ફિલ્મોને એવા વાયરસ તરીકે જુએ છે જે સમાજને પ્રભાવિત કરે છે. પણ સિનેમા, ખાસ કરીને લોકપ્રિય સિનેમા, એટલું સરળ નથી. તે ઘણી વખત વિનાશક બનતા પહેલાં ઇશારો કરે છે. તે જાહેર મનોભાવને પકડી લે છે, તે પહેલાં કે શિક્ષણ, નીતિ અને મીડિયા તેને કોઈ નામ આપે.




