
જાેબાળા ગામમાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો.મેડિકલ ડિગ્રી વગર એલોપથીક સારવાર આપતા એક નકલી તબીબને એસઓજી પોલીસે ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબો વિરૂદ્ધ પોલીસે લાલ આંખ કરી છે. ચુડા તાલુકાના જાેબાળા ગામમાં કોઈપણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર એલોપથીક સારવાર આપતા એક નકલી તબીબને એસઓજી પોલીસે ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાણપુર તાલુકાના નાગનેસ ગામનો વતની નીતિન ધીરૂભાઈ પટેલ ચુડાના જાેબાળા ગામે ભાડાનું રહેણાંક મકાન રાખીને ત્યાં ગેરકાયદેસર રીતે દવાખાનું ચલાવી રહ્યો હતો. આ શખ્સ પાસે તબીબ તરીકેની કોઈ પણ લાયકાત કે ડિગ્રી ન હોવા છતાં તે ગ્રામ્ય વિસ્તારના ભોળા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી એલોપેથીક દવાઓ આપતો હતો.
સુરેન્દ્રનગર એસઓજી પોલીસે બાતમીના આધારે આ નકલી ડોક્ટરના ક્લિનિક પર રેડ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી ૩૮ અલગ-અલગ જાતની એલોપેથીક દવાઓ અને તબીબી સાધનો મળી આવ્યા હતા, જે પોલીસે કબજે કર્યા છે.
એસઓજીએ નકલી તબીબ નીતિન પટેલની અટકાયત કરી તેને ચુડા પોલીસને સોંપ્યો છે. ચુડા પોલીસ મથકે મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી ગ્રામ્ય વિસ્તારોમાં ડિગ્રી વગર ક્લિનિક ચલાવતા અન્ય લેભાગુ તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.



