
સંજય લીલા ભણસાલી ડિસેમ્બરમાં ઇટાલીમાં ગ્રાન્ડ ક્લાઇમેક્સ શૂટ કરશે ભણસાલીની ‘લવ ઍન્ડ વૉર’નું ઇટાલીનું શૂટિંગ રદ થયું નથી દિવાળી પહેલાં લગભગ દસ દિવસનું શૂટ થઈ ચૂક્યું છે અને છેલ્લા ૨૦ દિવસ શૂટ ક્લાઇમેક્સનું કરાશે
સંજય લીલા ભણસાલી વધુ એક વખત બોલિવૂડના એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે અને થોડાં વખતથી તેમનું ઇટાલીનું શૂટિંગ રદ્દ થયું હોવાના અહેવાલો આવી રહ્યા હતા. તેથી તેમણે શૂટિંગમાં ફેરફાર કર્યા હોવાના પણ અહેવાલો હતા. પરંતુ હવે ફિલ્મના અંદરના સુત્રોના જણાવ્યા અનુસાર આ શૂટિંગ રદ્દ થયું નથી. પરંતુ કલાકારોની તારીખો સાથે સેટ કરવા માટે પહેલાં દસ દિવસ મુંબઇમાં અને પછી ડિસેમ્બરમાં ઇટાલીમાં મોટા પાયે શૂટ કરવામાં આવશે.સુત્રના જણાવ્યા અનુસાર, “સંજય લીલા ભણસાલીએ ૧૯૭૦ના ઇટાલીનો સમય અહીં મુંબઇમાં ખડો કર્યાે છે. દિવાળી પહેલાં લગભગ દસ દિવસનું શૂટ થઈ ચૂક્યું છે અને છેલ્લા ૨૦ દિવસનું શૂટ ક્લાઇમેક્સનું છે. તે ડિસેમ્બરમાં ઇટાલીમાં પૂરું થશે. ટીમ હાલ તો ઇદ-૨૦૨૬ પર ફિલ્મ રિલીઝ કરવાનું વિચારે છે.”શરૂઆતમાં એવા અહેવાલો હતા કે ઇટાલીનું શૂટ બિલકુલ રદ્દ કરવામાં આવ્યું છે. પરંતુ હવે શૂટની સ્ટ્રેટેજી બદલાઇ ગઈ છે.
કલાકારોની તારીખો અને સમય સચવાઇ જાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આવું કરવાથી આંતરરાષ્ટ્રિય પ્રવાસ અને વ્યવસ્થાઓનો ખર્ચ તો ઘટાડી જ શકાય સાથે બધાની તારીખો પણ સચવાઇ જાય. પછી ઇટાલીમાં શૂટ કરીને ફિલ્મનું સ્તર પણ જળવાઈ રહેશે, સમયસર શૂટ થઈ જાય તો ઇદ પર ફિલ્મ સરળતાથી રિલીઝ પણ થઈ જશે. શરૂઆતમાં ઇટાલીમાં ૪૫ દિવસનું શૂટ કરવાનું હતું, તે વ્યવસ્થાની દૃશ્ટિએ મુશ્કેલ થતાં મુંબઇમાં શૂટ કરીને વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. ત્યારે હવે ફિલ્મમાં ઇટાલી દેખાશે પણ ખરું, ભણસાલી જેવા વૈભવી સેટ માટે જાણીતા છે અને તેમની પાસે જે સ્તરની અપેક્ષા છે, તે પણ પુરી થશે.




