
સુપ્રીમ કોર્ટે મંગળવારે ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ ટીટાને ચંદીગઢના મેયર તરીકે જાહેર કર્યા છે. આ સાથે કોર્ટે અનિલ મસીહને આરોપી ગણીને તેની સામે કેસ ચલાવવાનો આદેશ આપ્યો હતો.
ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગેરરીતિઓને જોતા સુપ્રીમ કોર્ટે ફરી મતગણતરીનો આદેશ આપ્યો હતો. આ સાથે મતદાન બાદ મતગણતરીમાં ક્રોસ માર્કવાળા બેલેટ પેપરનો સમાવેશ કરવા પણ આદેશ આપવામાં આવ્યા હતા.
મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની બેંચે બેલેટ પેપરની તપાસ કર્યા બાદ જણાવ્યું હતું કે અમાન્ય જાહેર કરાયેલા આઠ મત આમ આદમી પાર્ટીના ઉમેદવાર કુલદીપ કુમારની તરફેણમાં હતા.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તે સ્પષ્ટ છે કે પ્રિસાઇડિંગ ઓફિસરે જાણીજોઈને 8 બેલેટ પેપરને અમાન્ય બનાવ્યા. તેથી, અમે આમ આદમી પાર્ટીના કાઉન્સિલર કુલદીપ કુમારને વિજેતા અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના મેયર તરીકે જાહેર કરીએ છીએ.
સુપ્રીમ કોર્ટે મંગળવારે સ્પષ્ટ કર્યું કે તે આખી ચૂંટણી પ્રક્રિયાને રદ નથી કરી રહી. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે કહ્યું કે તે સ્પષ્ટ છે કે અનિલ મસીહે આઠ બેલેટ પેપર સાથે છેડછાડ કરી હતી.
