
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણા દેશમાં વૃદ્ધ માતા-પિતાની ઉપેક્ષા એક ગંભીર સામાજિક સમસ્યા તરીકે ઉભરી રહી છે. ગામડામાંથી શહેર તરફ સ્થળાંતર,સંયુક્ત પરિવારોના વિઘટન અને ઝડપથી બદલાતી જીવન શૈલીને કારણે વૃદ્ધોની ઉપેક્ષા ના કિસ્સાઓ વધી રહ્યા છે. ઘણીવાર તેમના જીવનના સંધ્યાકાળ ના વર્ષોમાં માતા-પિતા પાસે એકલતામાં રહેવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી અથવા વૃદ્ધાશ્રમમાં આશ્રય લેવાની ફરજ પડે છે.
ત્યારે આના સંદર્ભમાં તેલંગણા વિધાનસભા દ્વારા પસાર કરાયેલ "કર્મચારી જવાબદારી અને માતા-પિતા સહાય દેખરેલ બિલ ૨૦૨૬" ને ઘણી બાબતોમાં એક મહત્વપૂર્ણ કાયદાકીય પગલા તરીકે આવકારવામાં આવી રહ્યું છે. આ વિધેયક અનુસાર રાજ્યના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તેમજ સરકારી અને ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે તેમના વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવી ફરજીયાત છે. આ આદેશનું પાલન ન કરવાથી તેમના પગારમાંથી કાપ મુકવામાં આવશે. ખાસ કરીને ૧૫ % અથવા રૂપિયા ૧૦૦૦૦( બેમાંથી જે ઓછું હોય તે) જે સીધા તેમના માતા-પિતાને ભરણપોષણ ભથ્થા તરીકે મોકલવામાં આવશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મચારીઓમાં નૈતિક મૂલ્યો અને પારિવારિક જવાબદારીઓ પ્રત્યે પ્રતિબધ્ધતા ની ભાવના જગાડવાનો છે સાથે સાથે વરિષ્ઠ નાગરિકોની નાણાકીય સુરક્ષા પણ સુનિશ્ચિત કરવાનો છે.
આમ પણ વૃદ્ધ માતા-પિતાની સંભાળ રાખવાનો મુદ્દો શેરીઓથી લઈ ને સંસદ સુધી ચર્ચાનો વિષય રહ્યો છે. ત્યારે આમ તો દેશમાં પહેલેથી જ એક રાષ્ટ્રીય કાયદો "માતા-પિતા અને વરિષ્ઠ નાગરિકોનું જાળવણી અને કલ્યાણ અધિનિયમ ૨૦૦૭" અસ્તિત્વમાં છે. પરંતુ વૃદ્ધોની સંભાળ અંગેની તેની અસર મોટાભાગે બિન અસરકારક રહી છે. વારંવાર કાનૂની પ્રક્રિયા એટલી જટિલ અને બોજારૂપ બની જાય છે કે વૃદ્ધ વ્યક્તિઓ નિરાશ થઈ જાય છે અને તેમની ફરિયાદો પાછી ખેંચી લેવાનું નક્કી કરે છે. આ સંદર્ભમાં તેલંગણા વિધાનસભા દ્વારા પસાર કરાયેલું બિલ વધુ અસરકારક રહેશે એમાં બે મત નથી હવે જોવાનું એ છે કે તેલંગણા ના પગલે દેશના અન્ય કયા રાજ્યો વૃદ્ધોની સહાયે આવી આવા બિલ પસાર કરે છે.




