
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આ હળહળતા કળીયુગમાં સગા સૌ સ્વાર્થના પણ અહીંતો મા-જાણ્યા બંને સગા ભાઈએ માની મિલકતમાં ભાગ લેવા મૃત્યુ પામેલી માતાનો મલાજો પણ ના જાળવી કાંધ આપવાની ચોખ્ખી ના પાડતા આખરે પોલીસે આવી મૃત માતાને કાંધ આપી કર્યા અગ્નિસંસ્કાર.
આ શરમજનક ઘટના ઓડિશાના બાલેશ્વરમાં બની હતી. બંસીધરદાસ અને તેમની પત્ની તુલસીદાસને ત્રણ દીકરાઓ હતા. મોટો દીકરો તો ઘણા સમયથી ગાયબ થઈ ગયો હતો, પણ બે દીકરાઓએ માતા-પિતાની જવાબદારી વહેંચી લીધી હતી. વચલા દીકરાએ પિતાની પાસે રાખ્યા જ્યારે નાના દીકરાએ માને રાખવાની જવાબદારી લીધી હતી.
થોડા સમય પહેલા બંસીધરદાસનું મૃત્યુ થઈ ગયું. મંગળવારે ૨૬ મે માં એ પણ અંતિમ શ્વાસ લીધા. જો કે મા ના મૃત્યુ પછી ઘરમાં શોક ને બદલે વિવાદ શરૂ થઈ ગયો. વૈષ્ણવ પરંપરાથી જોડાયેલા હોવાથી ગામના લોકોનું કહેવું હતું કે વૃધ્ધ માં ના અંતિમ સંસ્કાર ઘરના પરિસરમાં જ કરવામાં આવે. જોકે આ મામલે મા ના નામની સંપત્તિ કોની પાસે રહેશે એ બાબતે ચર્ચા ઉખળી. બંને વચ્ચે વિવાદ એટલો વધ્યો કે સામે માનું શબ પડયુ છે એની પણ આમન્યા તેઓ ભૂલી ગયા.
બે માંથી કોઈએ માંના પાર્થિવ દેહને હાથ પણ લગાડવાની ના પાડી દીધી. ગામવાળાઓએ બંને ભાઈઓને સમજાવવાની કોશિશ કરી પણ કોઈ પરિણામ ન આવ્યું. ૧૦ કલાક સુધી પાર્થિવ દેહ એમ જ પડયો રહ્યો. આખરે પોલીસને જાણ કરવામાં આવી. પોલીસે પણ પરિસ્થિતિની નજાકતા જોઈને બે દીકરાઓને સમજાવવાની કોશિશ કરી પણ વ્યર્થ ગયું. બંને એ માની અરથીને કાંધ આપવાની પણ ના પાડી દીધી. આખરે ચાર પોલીસવાળાઓએ ગામવાળાઓની મદદથી પાર્થિવ દેહને કાંધ આપી અને અગ્નિસંસ્કાર કર્યા. જે દીકરાઓને માં એ પાળ્યા પોષ્યા એમણે જ મા ને તરછોડી દીધી.



