
બાહુબલીએ ટ્રેન્ડ બદલી નાખ્યો બે પાર્ટમા ફિલ્મ બનાવો અને ડબલ કમાણી !! બાહુબલી – પુષ્પા – ધૂરંધર જેવી બે ભાગમાં રિલીઝ થયેલી ફિલ્મોની સફળતા જાેઇ ફિલ્મ નિર્માતાઓ હવે ઘણી ફિલ્મોને બે ભાગમાં રિલીઝ કરવા માંગે છે! જ્યારે એક ફિલ્મ રિલીઝ થાય અને તેના આગામી પાર્ટની જાહેરાત પણ તેની સાથે-સાથે થઈ જાય, એવું હોલીવુડમાં વર્ષાેથી થઈ રહ્યું છે.
ભારતમાં બાહુબલી પહેલાં કોઈ ફિલ્મની સિક્વલ ત્યારે જ આવતી હતી, જ્યારે પહેલી ફિલ્મ સુપરહિટ કમાણી કરી લે અને નિર્માતાને લાગે કે બીજાે પાર્ટ લાવવાથી વધુ ફાયદો થશે. પરંતુ બાહુબલીએ ટ્રેન્ડ બદલી નાખ્યો.રાજામૌલીએ પહેલી ફિલ્મની રિલીઝ સાથે જ સેકન્ડ પાર્ટની જાહેરાત કરી દીધી અને બીજાે ભાગ પણ હિટ થઈ ગયો. હવે સ્થિતિ એવી થઈ ગઈ છે કે તમામ મોટા નિર્માતાઓ પોતાની ફિલ્મોને બે ભાગમાં લાવવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે બાહુબલી પછી સિક્વલનો જે સિલસિલો શરૂ થયો, તો યશની ફિલ્મ KGF ની પણ રિલીઝની સાથે જ સિક્વલની જાહેરાત થઈ. ખાસ કરીને કોરોના પછી અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાના બંને ભાગોની જાેરદાર સફળતાએ ફિલ્મવાળાઓ વચ્ચે બે ભાગવાળી ફિલ્મોનાં કોન્સેપ્ટને હિટ કરી દીધો.તાજેતરમાં જ ધુરંધર અને ધુરંધર ધ રિવન્જની બમ્પર સક્સેસથી ફિલ્મ ઈન્ડસ્ટ્રી અત્યંત ખુશ છે. દિવાળી પર રિલીઝ થનારી રણબીર કપૂરની રામાયણનાં બંને ભાગોની રિલીઝ ડેટ પહેલાથી જ જાહેર થઈ ચૂકી છે.આનું શૂટિંગ પણ સાથે કરી લેવામાં આવ્યું છે.
હાલમાં જ જાહેર થયેલી અલ્લુ અર્જુનની ફિલ્મ રાકાને બે ભાગમાં લાવવાની ચર્ચા છે. આ પહેલા રાજામૌલી પણ પોતાની ફિલ્મ વારાણસીને બે ભાગમાં લાવવાની જાહેરાત કરી ચૂક્યાં છે. બીજી તરફ પ્રભાસની ફિલ્મ કલ્કિ ૨૮૯૮ એડી અને સાલારના પાર્ટ ૨ ને લાવવાની જાહેરાત પહેલાથી જ કરવામાં આવી હતી.પહેલા બોલીવુડવાળા કોઈ ફિલ્મનાં હિટ થવા પર તેની સિક્વલની સંભાવના શોધતા હતા. આજકાલ નિર્માતાઓ પહેલાથી જ બીજી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરીને બે ભાગમાં ફિલ્મ જાહેર કરી રહ્યાં છે. આ કોન્સેપ્ટમાં નિર્માતા એકસાથે બંને ફિલ્મો પર કામ કરે છે.આ રીતે પહેલી ફિલ્મની સાથે જ બીજી ફિલ્મનો ઘણો હિસ્સો શૂટ થઈ જાય છે. જાેકે ઘણી ફિલ્મો એવી પણ છે જેમના બીજા ભાગની જાહેરાત થવા છતાં રિલીઝ થવામાં વાર લાગે છે. દાખલા તરીકે કલ્કિ અને સાલાર જેવી ફિલ્મોના બીજા ભાગ અટકેલા છે. બ્રહ્માસ્ત્ર, ગણપત અને જાેન અબ્રાહમની ફિલ્મ અટેક પણ તે જ લિસ્ટમાં સામેલ છે.




