
પાકિસ્તાનમાં ભારતના વધુ એક દુશ્મન પર હુમલો આતંકવાદી આમિર હમઝાને અજાણ્યા હુમલાખોરે મારી ગોળી આમિરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો : હાલમાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય અને આતંકવાદી હાફિઝ સઈદના રાઈટ હેન્ડ ગણાતા આમિર હમઝા પર પાકિસ્તાનમાં જીવલેણ હુમલો થયો છે. આમિરને લાહોરમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી છે. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલમાં તેની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. યુનાઈટેડ સ્ટેટ્સ ટ્રેઝરી દ્વારા હમઝાને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ દ્વારા મળતી માહિતી અનુસાર, આમિર હમઝા પર અજાણ્યા હુમલાખોરોએ લાહોરમાં એક ન્યૂઝ ચેનલની ઓફિસની બહાર ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં આમિરને કથિત રીતે અનેક ગોળીઓ લાગી છે. હુમલા બાદ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આમિરની સ્થિતિ અંગે હોસ્પિટલ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
આમિર હમઝાની ગણતરી અફઘાન મુજાહિદીનના અનુભવી કમાન્ડરોમાં થાય છે. તેને હાફિઝ સઈદનો રાઈટ હેન્ડ માનવામાં આવે છે. લશ્કરમાં આમિર હમઝાનું કામ ફંડ એકત્ર કરવાનું, નવી ભરતી કરવાનું અને અન્ય પક્ષો સાથે ડીલ કરવાનું હતું. પાકિસ્તાનમાં દાવો કરવામાં આવે છે કે તે વર્ષોથી લશ્કર-એ-તૈયબામાં સક્રિય નથી. વર્ષ ૨૦૧૮માં લશ્કર-એ-તૈયબા સાથે જાેડાયેલા જમાત-ઉદ-દાવા અને ફલાહ-એ-ઇન્સાનિયત ફાઉન્ડેશનમાં આર્થિક ગેરરીતિઓના આરોપો પછી હમઝાની લશ્કર સાથે દૂરી વધી હતી. ત્યારબાદ હમઝાએ ‘જૈશ-એ-મનકફા’ નામનું એક અલગ ગ્રુપ બનાવ્યું હતું. જાેકે, એવું માનવામાં આવે છે કે હાફિઝ સઈદ સાથે તેનો સંપર્ક સતત જળવાઈ રહ્યો હતો. હાફિઝ સઈદ ભારત માટે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી છે. લશ્કર-એ-તૈયબા પર ભારતમાં થયેલા આતંકી હુમલાઓમાં સામેલ હોવાનો આરોપ છે. આમિર હમઝાનો સંબંધ પણ અનેક આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે માનવામાં આવે છે, જેમાં ભારતમાં થયેલા અનેક હુમલાઓ પણ સામેલ છે.




