
ઈરાક બંને તરફથી થઇ રહ્યા છે ભયાનક હુમલા અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધમાં ફસાયો ત્રીજાે દેશ ઇરાકની અંદર આવેલા મિલિશિયા ઠેકાણાઓ પર હુમલા મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઇરાક એવી સ્થિતિમાં ફસાઈ ગયું છે, જ્યાં તેને બંને તરફથી થઈ રહેલા હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ઈરાન અને તેના સમર્થિત મિલિશિયા જૂથો અમેરિકન ઠેકાણાઓ અને હિતો પર હુમલા કરી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકા પણ આ હુમલાના જવાબમાં ઇરાકની અંદર આવેલા મિલિશિયા ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. આના કારણે ઇરાક ધીરે ધીરે એક મોટા સંકટ તરફ આગળ વધી રહ્યું હોય તેવા ભણકારા થઈ રહ્યા છે.
૨૮ ફેબ્રુઆરીએ અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઈરાન પર મોટા પાયે હુમલા શરૂ કરવામાં આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં તણાવ વધી ગયો છે. ત્યારબાદ ઈરાન અને તેની સાથે જાેડાયેલા સંગઠનોએ અનેક જગ્યાએ વળતી કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ભીષણ ટક્કરની સીધી અસર હવે ઇરાકમાં જાેવા મળી રહી છે.
યુદ્ધ શરૂ થયા પછી ઇરાકમાં અમેરિકન સૈન્ય મથકો, દૂતાવાસો અને ઉર્જા સાથે જાેડાયેલા માળખાઓને નિશાન બનાવવામાં આવ્યા છે. રાજધાની બગદાદ અને ઉત્તરી શહેર ઇરબિલના એરપોર્ટની આસપાસ પણ ડ્રોન અને મિસાઇલ હુમલાની ઘટનાઓ સામે આવી છે. આ ઈરાની હુમલાઓનું મુખ્ય લક્ષ્ય અમેરિકા અને તેના સહયોગીઓ રહ્યા છે. ઉત્તરી ઇરાકના કુર્દ વિસ્તારની રાજધાની ઇરબિલમાં લગભગ દરરોજ ડ્રોન હુમલાના પ્રયાસો જાેવા મળી રહ્યા છે. અહીં અમેરિકન સૈન્ય મથકોની સાથે સાથે વ્યાપારી વિસ્તારો અને કેટલીક હોટલોને પણ નિશાન બનાવવામાં આવી છે. સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ, ઘણીવાર લોકો કેફે અને બજારોમાં બેઠા હોય છે અને અચાનક આકાશમાં ડ્રોનનો અવાજ સંભળાય છે, ત્યારબાદ વિસ્ફોટનો અવાજ અને ધુમાડાના ગોટા દેખાય છે.
આ હુમલાઓના જવાબમાં અમેરિકાએ પણ કાર્યવાહી તેજ કરી છે. અમેરિકન સેનાએ ઇરાકના અનેક વિસ્તારોમાં ઈરાન સમર્થિત મિલિશિયા ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા છે. જેમાં બગદાદની દક્ષિણમાં જુરફ અલ-સખર, ઉત્તરી ઇરાકના કેટલાક વિસ્તારો અને ઇરાક-સીરિયા સરહદ પાસેના અલ-કાઈમ વિસ્તારનો સમાવેશ થાય છે. ઇરાકની મુશ્કેલી એ છે કે તેની અંદર એક તરફ ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથો હાજર છે, તો બીજી તરફ દેશમાં અમેરિકાના સૈન્ય મથકો અને રાજદ્વારી હિતો પણ છે. આવી સ્થિતિમાં ઇરાક આ સમગ્ર સંઘર્ષનું કેન્દ્ર બની રહ્યું છે.




