
સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી જાે કોઈ વોટ નથી કરતું, તો આપણે તેને મજબૂર કરી શકતા નથી વકીલે એવી દલીલ કરી હતી કે જે લોકો મતદાન નથી કરતા, તેમને મળતી સરકારી સુવિધાઓનો લાભ બંધ કરી દેવો જાેઈએ ભારતમાં ચૂંટણી દરમિયાન મતદાન કરવું એ દરેક નાગરિકની નૈતિક જવાબદારી માનવામાં આવે છે, પરંતુ શું વોટ ન આપવો એ ગુનો છે? આ પ્રશ્ન પર સુપ્રીમ કોર્ટે અત્યંત મહત્વપૂર્ણ સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે તે અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે જેમાં મતદાન ન કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી અથવા પ્રતિબંધો લગાવવાની માંગ કરવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું હતું કે, મતદાન કરવું એ મજબૂરી નથી. ભારત એક લોકશાહી દેશ છે જ્યાં છેલ્લા ૭૫ વર્ષોથી લોકોના વિવેક અને વિશ્વાસ પર ભરોસો મૂકવામાં આવ્યો છે. કોર્ટે ઉમેર્યું કે, “જાે કોઈ વોટ નથી કરતું, તો આપણે તેને મજબૂર કરી શકતા નથી. શું આપણે એવા લોકોની ધરપકડનો આદેશ આપવો જાેઈએ? આ કાયદાના શાસન અને લોકશાહીની વિરુદ્ધ હશે.”
અરજદાર અજય ગોયલના વકીલે એવી દલીલ કરી હતી કે જે લોકો મતદાન નથી કરતા, તેમને મળતી સરકારી સુવિધાઓનો લાભ બંધ કરી દેવો જાેઈએ. આ સૂચન પર ચીફ જસ્ટિસ સૂર્યકાંતે હળવા અંદાજમાં વળતો જવાબ આપ્યો કે, “આ કામ તમે અમારી તરફથી કરી લો.” કોર્ટે સ્પષ્ટ કર્યું કે વોટ ન આપવા પર દંડાત્મક જાેગવાઈઓ લાગુ કરવી એ નીતિગત બાબત છે, જે સરકાર અને ધારાસભાના અધિકારક્ષેત્રમાં આવે છે.
ચીફ જસ્ટિસે એક માનવીય પાસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, જાે કોઈ ગરીબ વ્યક્તિ એમ કહે કે તેણે તે દિવસે પોતાની રોજીરોટી કમાવવાની છે, તો તે વોટ આપવા કેવી રીતે જાય? આવી સ્થિતિમાં આપણે તેને શું જવાબ આપીશું? કોર્ટે આ મામલાને નીતિગત ગણાવીને અરજદારને સંબંધિત સત્તાધિકારી પાસે જવા માટેની છૂટ આપી છે.




