
ભારત વિરુદ્ધ ચીનનો નવો દાવ ૫૦૦૦ કિ.મી. સુધી દેખરેખ રાખતી રડાર સિસ્ટમ એક્ટિવ આ રડાર ભારતની તમામ મિસાઈલ ટેસ્ટિંગ અને હિંદ મહાસાગરના મોટા હિસ્સા પર નજર રાખવામાં સક્ષમ છે સરહદ પર હથિયાર નહીં, પરંતુ આ વખતે ચીને પોતાની ગુપ્ત ‘નજર‘ મજબૂત કરી છે. યુનાન પ્રાંતમાં સક્રિય થયેલું નવું LPAR રડાર ભારત માટે નવી વ્યૂહાત્મક ચિંતા ઉભી કરી શકે છે, કારણ કે તે ભારતની તમામ મિસાઈલ ટેસ્ટિંગ પર નજર રાખવામાં સક્ષમ છે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, ચીને મ્યાનમાર સરહદને અડીને આવેલા પોતાના યુનાન પ્રાંતમાં લાર્જ ફેસ્ડ એર રડાર (LPAR) કાર્યરત કરી દીધું છે. આ રડારની રેન્જ ૫૦૦૦ કિલોમીટરથી વધુ છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ રડાર ભારતના મિસાઈલ પરીક્ષણોને ટ્રેક કરવા અને હિંદ મહાસાગરના મોટા હિસ્સા પર નજર રાખવા માટે સક્ષમ છે. આથી, સુરક્ષાના દ્રષ્ટિકોણથી તેને ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
ચીન છેલ્લા કેટલાક વર્ષોથી પોતાની સર્વેલન્સ સિસ્ટમને સતત મજબૂત કરી રહ્યુ છે. આ જ કડીમાં યુનાનમાં લગાવવામાં આવેલું, આ નવું LPAR રડાર ખૂબ મહત્વનું છે. આ રડાર દૂરથી જ બેલિસ્ટિક મિસાઈલ શોધી શકે છે, તેની ઉડાન પર નજર રાખી શકે છે, અને તેની સચોટ માહિતી એકત્રિત કરી શકે છે. તેની ૫૦૦૦ કિલોમીટરથી વધુની ક્ષમતાને કારણે, ચીન ભારતના પૂર્વીય ભાગ, બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના વિશાળ વિસ્તાર પર સરળતાથી નજર રાખી શકશે.
આ રડાર ઓડિશાના ડો. એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી થતા મિસાઈલ પરીક્ષણોને પણ ટ્રેક કરી શકે છે. ભારત આ જ સ્થળેથી અગ્નિ-૫, કે-૪ અને અન્ય આધુનિક મિસાઈલોનું પરીક્ષણ કરે છે. જાે કોઈ દેશને, આ મિસાઈલોની ઉડાન અને અન્ય ટેકનિકલ માહિતી મળી જાય, તો તે પોતાની સંરક્ષણ તૈયારીઓને તે જ મુજબ મજબૂત કરી શકે છે, જે ભારત માટે ચિંતાનો વિષય છે.
યુનાનમાં આ રડારનું લોકેશન એવું છે કે, ચીન બંગાળની ખાડી અને હિંદ મહાસાગરના મોટા હિસ્સાની દેખરેખ રાખી શકે છે.
હિંદ મહાસાગર ભારત માટે વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વનો છે, જ્યાં ભારતીય નૌસેનાની મજબૂત હાજરી છે, અને દુનિયાના ઘણા મોટા દરિયાઈ વેપાર માર્ગો અહીંથી પસાર થાય છે. ચીન પાસે અગાઉથી જ શિનજિયાંગ અને કોરલામાં આવા લાંબા અંતરના રડાર છે. હવે યુનાનમાં નવું LPARરડાર શરૂ થતાં, તેની સર્વેલન્સ ક્ષમતા વધુ મજબૂત થઈ છે. જાેકે, આ તૈનાતી અંગે ભારત કે, ચીન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.




