
E85 ફ્યુઅલનો નિયમ લાવવાની તૈયારીમાં સરકાર.પેટ્રોલ ભૂલી જાઓ! ૮૫ ટકા ઈથેનોલથી દોડશે ગાડીઓ.અત્યાર સુધી દેશમાં ઈ૨૦ની ચર્ચા થતી હતી, પરંતુ હવે સરકાર E85 ફ્યુલ લાવવાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે.પશ્ચિમ એશિયામાં વધી રહેલા યુદ્ધના તણાવ અને ઓઇલના આસમાને પહોંચેલા ભાવ વચ્ચે ભારતે ઈંધણના ક્ષેત્રમાં એક મોટો અને ક્રાંતિકારી ર્નિણય લેવાની તૈયારી કરી લીધી છે. અત્યાર સુધી દેશમાં ૨૦% ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ(E20)ની ચર્ચા થતી હતી, પરંતુ હવે સરકાર સીધું E85 ફ્યુલ લાવવાનો ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. આ નવા બદલાવનો અર્થ એ છે કે હવે ગાડીઓમાં પેટ્રોલ ઓછું અને ઈથેનોલનું પ્રમાણ વધારે હશે. અહેવાલો મુજબ, સરકાર ટૂંક સમયમાં E85 ફ્યુલ અંગેના નિયમો જાહેર કરી શકે છે, જેના પર આંતરિક સંમતિ બની ચૂકી છે અને પ્રાથમિક ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે.
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ ૯૦% ઓઇલ આયાત કરે છે, જે દેશની તિજાેરી પર મોટો બોજ નાખે છે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઓઇલ સંકટ ગંભીર બન્યું છે ત્યારે ઈથેનોલ બ્લન્ડિંગ એ દેશ માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે. પીએમ મોદીએ પણ અગાઉ નોંધ્યું હતું કે એક દાયકા પહેલા પેટ્રોલમાં માત્ર ૧-૨% ઈથેનોલ ભેળવવામાં આવતું હતું, જે હવે ૨૦% સુધી પહોંચ્યું છે. આ ફેરફારને કારણે વાર્ષિક આશરે સાડા ચાર કરોડ બેરલ જેટલું ઓઇલ ઓછું ઈમ્પોર્ટ કરવું પડે છે. ઈથેનોલ ખાસ કરીને શેરડી, મકાઈ અને અનાજમાંથી બનાવવામાં આવે છે, જે રિન્યુએબલ હોવાની સાથે પ્રદૂષણ પણ ઘટાડે છે અને તેનાથી સીધો ફાયદો દેશના ખેડૂતોને થશે.
જાેકે, E85 ફ્યુલનો ઉપયોગ સામાન્ય એન્જિન ધરાવતી ગાડીઓમાં કરી શકાશે નહીં. આ માટે ખાસ પ્રકારના ફ્લેક્સ-ફ્યુલ વ્હીકલ(FFV) એન્જિનની જરૂર પડશે. સામાન્ય એન્જિનમાં જાે વધુ પડતા ઈથેનોલવાળું ઈંધણ વાપરવામાં આવે તો એન્જિનના પાર્ટ્સ ખરાબ થવાની અને પરફોર્મન્સ ઘટવાની શક્યતા રહેલી છે. આથી જ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી સતત વાહન ઉત્પાદક કંપનીઓને ફ્લેક્સ ફ્યુલ એન્જિન બનાવવા પર ભાર મૂકી રહ્યા છે.
આ યોજનાના અમલીકરણ માટે પેટ્રોલ પંપો પર પણ અલગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નોઝલ અને સ્ટોરેજ સિસ્ટમ તૈયાર કરવી પડશે. આગામી સમયમાં E85 ફ્યુલ ભારતના ઓટો અને એનર્જી સેક્ટરમાં મોટો બદલાવ લાવશે, જે ઓઇલ પરની ર્નિભરતા ઘટાડવામાં મહત્ત્વનું સાબિત થશે.



