
સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું દેશમાં પેટ્રોલ, ડીઝલ કે LPG પૂરતો જથ્થો ઉપલબ્ધ છે ગ્રાહકોને ઈંધણ આપવાનો ઈનકાર કરનારા અથવા ઓછી માત્રામાં આપનારા પેટ્રોલ પંપો સામે કડક પગલાં લેવાઈ રહ્યા છે સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે LPG પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેની કોઈ તંગી નથી. ગ્રાહકોને ઈંધણ આપવાનો ઈનકાર કરનારા અથવા ઓછી માત્રામાં આપનારા પેટ્રોલ પંપો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે. સમગ્ર દેશના તમામ રિટેલ આઉટલેટ્સ પર ઈંધણનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા સખત દેખરેખ રાખવામાં આવી રહી છે.
વધુમાં, ઓઇલ માર્કેટિંગ કંપનીઓની રિફાઇનરીઓમાં ક્રૂડ ઓઇલની સપ્લાય અવિરત ચાલુ રહે તે હેતુથી રશિયાથી કરવામાં આવતી ઓઇલની આયાત પણ યથાવત રાખવામાં આવી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, અત્યારે લણણીની સીઝન (પાકની કાપણી) ચાલી રહી હોવાથી ડીઝલની માંગમાં અચાનક વધારો થયો છે. આ સિવાય ખાનગી ઓઇલ કંપનીઓએ ભાવ વધારી દીધા હોવાથી ગ્રાહકો હવે સરકારી ઓઇલ કંપનીઓના પેટ્રોલ પંપ તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં વેચાણ વધ્યું છે. વળી, કોમર્શિયલ ખરીદી કરનારાઓ પણ સામાન્ય પેટ્રોલ પંપ પરથી ઈંધણ ખરીદી રહ્યા છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે તેમને કોમર્શિયલ રેટ પર પ્રતિ લીટર અંદાજે ૨૦ રૂપિયા વધુ ચૂકવવા પડતા હતા.
તાજેતરમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૩.૯૧ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે, તે માત્ર ૪.૪ ટકા જેટલો જ છે. એક રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયા જેવા સીધી સબસિડી આપતા ખાડી દેશોને બાદ કરતાં, વિશ્વના અન્ય કોઈપણ મોટા અર્થતંત્રની તુલનામાં આ સૌથી નાનો ભાવવધારો છે. ઈન્ડિયન ઓઇલના એક અધિકારીએ જણાવ્યું કે, સરકારી ઓઇલ કંપનીઓએ ૭૬ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા ખર્ચનો સંપૂર્ણ બોજ પોતે સહન કર્યો હતો અને અત્યારે જે ૩.૯૧ રૂપિયા વધારાયા છે તે ક્રૂડ ઓઇલના વધેલા ખર્ચનો માત્ર એક નાનો ભાગ છે.
બીજી તરફ, સમગ્ર વિશ્વમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવને કારણે રિટેલ કિંમતોમાં ૧૦થી ૯૦ ટકા સુધીનો મોટો વધારો ઝીંકવામાં આવ્યો છે. જે દેશો પશ્ચિમ એશિયાના સપ્લાય પર ર્નિભર છે અને જ્યાં સરકારો ભાવવધારાનો બોજ પોતે નથી ઉઠાવતી, ત્યાં સ્થિતિ વધુ ખરાબ છે.
વૈશ્વિક સ્તરે ઈંધણના ભાવોની સ્થિતિ પર નજર કરીએ તો, પાકિસ્તાનમાં ગ્રાહકો ત્રણ મહિના પહેલાની સરખામણીએ અત્યારે પેટ્રોલ માટે આશરે ૫૫ ટકા વધુ કિંમત ચૂકવી રહ્યા છે. આ જ રીતે મલેશિયામાં પણ ઈંધણના ભાવમાં ૫૬ ટકાનો મોટો વધારો ઝીંકાયો છે, જ્યારે યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)માં પણ સ્થિતિ આવી જ કંઈક છે અને ત્યાંના ગ્રાહકોએ હવે ૫૨ ટકા જેટલા ઊંચા ભાવ ચૂકવવાનો વારો આવ્યો છે.
વિકસિત દેશોની વાત કરીએ તો, અમેરિકામાં ટેક્સનું માળખું મર્યાદિત હોવાથી ત્યાં ક્રૂડના ભાવની સીધી અસર થાય છે. અમેરિકામાં પેટ્રોલના ભાવમાં લગભગ ૪૫ ટકા અને ડીઝલમાં ૪૮ ટકાનો વધારો થયો છે. યુરોપના દેશોમાં પણ મોટો વધારો જાેવા મળ્યો છે, જેમાં બ્રિટનમાં પેટ્રોલ ૧૯ ટકા અને ડીઝલ ૩૪ ટકા, જર્મનીમાં પેટ્રોલ ૧૪ ટકા અને ડીઝલ ૨૦ ટકા, જ્યારે ફ્રાન્સમાં અનુક્રમે ૨૧ ટકા અને ૩૦ ટકાનો ભાવવધારો થયો છે. આ સિવાય જાપાન, સાઉથ કોરિયા અને સિંગાપોરમાં પેટ્રોલનો ભાવવધારો ૨૦ ટકાથી ઓછો રહ્યો છે, પરંતુ ત્યાં ડીઝલના ભાવ ઝડપથી વધ્યા છે, જેમાં સિંગાપોરમાં ડીઝલના ભાવમાં ૬૫ ટકાનો તોતિંગ ઉછાળો નોંધાયો છે.



