
સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપીને રચ્યો ઇતિહાસ T20 ડેબ્યૂમાં જ જમશેદ આલમે તરખાટ મચાવ્યો સૌરાષ્ટ્ર સામે રેલવેના ૨૩ વર્ષીય બોલરનું ઐતિહાસિક પ્રદર્શન, પાંચ વિકેટ ઝડપીને ટીમને ૨૯ રને અપાવ્યો વિજય ભારતીય ઘરેલુ ક્રિકેટની પ્રતિષ્ઠિત સૈયદ મુશ્તાક અલી ટ્રોફી ૨૦૨૬-૨૭માં રેલવેના યુવા ફાસ્ટ બોલર જમશેદ આલમે પોતાની ટી-૨૦ ડેબ્યૂ મેચમાં જ શાનદાર પ્રદર્શન કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. ઇન્દોરના ડેલી કોલેજ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ્ર સામે રમાયેલી મુકાબલામાં ૨૩ વર્ષીય આ બોલરે પોતાની પ્રથમ ઓવરના સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપીને અનોખી સિદ્ધિ મેળવી હતી. સમગ્ર મેચમાં પાંચ વિકેટ ઝડપીને તેણે રેલવેની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
જમશેદ આલમે પોતાની પ્રથમ ઓવરમાં માત્ર ચાર રન આપીને સૌરાષ્ટ્રના ચાર બેટ્સમેનોને સતત ચાર બોલમાં પેવેલિયન ભેગા કર્યા હતા. તેણે હાર્વિક દેસાઈ, પ્રેરક માંકડ, રુચિત આહીર અને સમીર ગજ્જરને આઉટ કરીને સૌરાષ્ટ્રની બેટિંગને મોટો ફટકો આપ્યો હતો. ત્યારબાદ બીજી ઓવરમાં સિદ્ધાંત રાણાની વિકેટ ઝડપીને તેણે પોતાની પાંચ વિકેટ પૂરી કરી હતી. આ રીતે જમશેદે ચાર ઓવરમાં ૩૮ રન આપીને કુલ પાંચ વિકેટ ઝડપી હતી.
સૈયદ મુશ્તાક અલી ટ્રોફીના ઇતિહાસમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપનાર જમશેદ આલમ ત્રીજાે બોલર બન્યો છે. આ અગાઉ ૨૦૧૯માં કર્ણાટકના અભિમન્યુ મિથુને હરિયાણા સામે અને ૨૦૨૧માં વિદર્ભના દર્શન નાલકંડેએ કર્ણાટક સામે આ સિદ્ધિ મેળવી હતી. હવે આ યાદીમાં જમશેદ આલમનું નામ પણ જાેડાયું છે. મુકાબલામાં પ્રથમ બેટિંગ કરતાં રેલવેએ નિર્ધારિત ૨૦ ઓવરમાં પાંચ વિકેટે ૧૮૨ રન બનાવ્યા હતા. રેલવે તરફથી જયંત લાખને ૪૭ રન, રવિ સિંહે ૩૨ રન અને ઝુબેર અલીએ અણનમ ૨૭ રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં ૧૮૩ રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી સૌરાષ્ટ્રની ટીમ ૨૦ ઓવરમાં આઠ વિકેટે ૧૫૩ રન જ બનાવી શકી હતી. પરિણામે રેલવેએ ૨૯ રનથી જીત મેળવી હતી.
ટી-૨૦ કારકિર્દીની પ્રથમ જ મેચમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ અને કુલ પાંચ વિકેટ ઝડપીને જમશેદ આલમે ઘરેલુ ક્રિકેટમાં પોતાની પ્રતિભાનો પરિચય કરાવ્યો છે.




