
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
આપણા રોજિંદા જીવનમાં વપરાતા દૂધની સામાન્ય રીતે કિંમત લિટર દીઠ રૂપિયા ૬૦ થી ૧૦૦ રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ શું તમે ક્યારેય એવા દૂધ વિશે સાંભળ્યું છે કે જેની કિંમત લાખો રૂપિયામાં હોય? ઉંદરડીનું દૂધ વિશ્વનું સૌથી મોંઘુ દૂધ માનવામાં આવે છે. જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ૨૦ થી ૨૩ લાખ રૂપિયા પ્રતિ લીટર સુધી હોઈ શકે છે.
ઉંદરડીનું દૂધ આટલુ મોંઘુ હોવા પાછળનું એક કારણ એ છે કે એક લિટર દૂધ ભેગું કરવા માટે હજારો ઉંદરડીની જરૂર પડે છે. સંશોધકોના મતે આશરે ૪૦,૦૦૦/- ઉંદરડી પાસેથી દૂધ મેળવ્યા બાદ માંડ એક લીટર જેટલો જથ્થો ભેગો થાય છે. આ પ્રક્રિયા માત્ર મહેનત માંગી લે એવી જ નથી. ટેકનિકલી પણ અત્યંત અઘરી છે. આ દૂધનો ઉપયોગ સામાન્ય ખાવા-પીવામાં નહીં પરંતુ મેડિકલ રિસર્ચમાં કરવામાં આવે છે. ખાસ કરીને દવાઓ અને રસીઓના પરીક્ષણ માટે ઉંદરડીના દૂધની ડિમાન્ડ રહે છે. વૈજ્ઞાનિકોના મતે ઉંદરના દૂધમાં રહેલા પ્રોટીન અને અન્ય તત્વો માનવ DNA સાથે કેટલુક સામ્ય ધરાવતા હોવાથી એ સંશોધનમાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. બોલો છે ને અજીબ તેરી ગજબ કહાની જેવી આ વાત.



