
મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા ન્યૂયોર્કથી ઇઝરાયેલ પહોંચેલી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બની ધમકી બેન ગુરિયન એરપોર્ટ પર ધમકી બાદ સુરક્ષા એજન્સીઓ સતર્ક; તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતાં એરપોર્ટની કામગીરી સામાન્ય થઈ
ન્યૂયોર્કથી ઇઝરાયેલના બેન ગુરિયન આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચેલી ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અજાણી વ્યક્તિ દ્વારા વિમાનમાં વિસ્ફોટક હોવાની માહિતી આપવામાં આવ્યા બાદ એરપોર્ટના સુરક્ષા અધિકારીઓએ તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. સાવચેતીના ભાગરૂપે વિમાનમાં સવાર તમામ મુસાફરોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
પ્રાથમિક અહેવાલો અનુસાર, વિમાન ઇઝરાયેલ પહોંચ્યા બાદ આ ધમકી મળી હતી. ઘટનાને ગંભીરતાથી લઈને સંબંધિત સુરક્ષા એજન્સીઓએ વિમાનની તપાસ હાથ ધરી હતી. જાેકે, તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ત્યારબાદ એરપોર્ટની કામગીરી ફરી સામાન્ય થઈ ગઈ હતી.
અહેવાલ મુજબ, ઇઝરાયેલ એરપોર્ટ્સ ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી, પરંતુ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી. અધિકારીઓએ ઘટનાને પૂર્ણ જાહેર કરી હતી અને એરપોર્ટ પર સામાન્ય કામગીરી ફરી શરૂ થઈ હતી.
બોમ્બની ધમકી મળ્યા બાદ એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાને વધુ સતર્ક બનાવવામાં આવી હતી. આવી પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વિમાનની તપાસ, મુસાફરોને બહાર કાઢવા અને જરૂરી સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવે છે.આ ઘટના એવા સમયે સામે આવી છે, જ્યારે થોડા દિવસ અગાઉ દુબઈથી ઇઝરાયેલ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કોકપિટની અંદર થયેલી કથિત હિંસક ઘટનાને લઈને પણ ચર્ચા થઈ હતી. અહેવાલ અનુસાર, ૩૦ સપ્ટેમ્બરે ફ્લાઇટ FZ1073 માં ઓમાની સહ-પાઇલટે ભારતીય પાઇલટ સ્મિત મચ્છર પર ઇમરજન્સી કુહાડીથી હુમલો કર્યો હોવાનો આરોપ છે.
અહેવાલમાં જણાવાયું છે કે હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં સ્મિત મચ્છરે કોકપિટનો દરવાજાે ખોલ્યો હતો. ત્યારબાદ અન્ય ક્રૂ સભ્યો અને મુસાફરોએ કથિત હુમલાખોરને કાબૂમાં લેવામાં મદદ કરી હતી.
વિમાનમાં હાજર એક અન્ય પાઇલટે, જે તે સમયે ફરજ પર નહોતા, ફ્લાઇટને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારવામાં મદદ કરી હતી. આ ઘટનાની તપાસ ચાલી રહી હોવાનું જણાવાયું છે.
ડેલ્ટા એરલાઇન્સની ફ્લાઇટમાં બોમ્બની ધમકી અને ફ્લાયદુબઈની ફ્લાઇટમાં કથિત હિંસક ઘટનાએ હવાઈ મુસાફરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થાના મહત્ત્વને ફરી ચર્ચામાં લાવ્યું છે. જાેકે, બંને ઘટનાઓ અલગ છે અને તેમની તપાસ પણ અલગ રીતે કરવામાં આવી રહી છે.




