
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
એક અઠવાડિયા પહેલા વેડ દરવાજા જીલાની બ્રિજ પાસે વહેલી સવારથી જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં નાસિનગરના મકાનોના ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કોઈપણ પ્રકારની નોટિસ વિના અંદાજે ૧૫૦ થી ૨૦૦ જેટલા મકાનો પર બુલડોઝર ફરી વળવાની ઘટનાને પગલે ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
૫૦ વર્ષો ઉપરાંત થી વસવાટ કરતા પરિવારો રાતોરાત બેઘર બની જતા નાસિરનગરના મકાનોના રહેવાસીઓ માં પણ આક્રોશ ફેલાયો હતો. આખરે ડિમોલિશનની આ ઘટનામાં ભારે વિવાદ સર્જાતા મહાનગરપાલિકાના અધિકારીઓ ભેખડે ભેરવાયા હતા. અને આ ડિમોલિશન મામલે હાથ ઊંચા કરી દેતા સમગ્ર વિવાદ હાઇકોર્ટમાં પહોંચતા હવે બહાર આવશે કયો મોરલો કળા કરી ગયો હતો?
આ બનાવને પગલે હવે બાકી બચેલા મકાનોવાળાઓને પણ કાલ્પનિક ભય સતાવવા લાગતા એવા મકાનોવાળા દ્વારા હાઇકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો છે. નાસિર નગરમાં બાકી રહેલા મકાનોના ડિમોલિશન પર સ્ટે મેળવવા માટે મિલકતદારો દ્વારા અરજી કરવામાં આવી છે.
બીજી તરફ પાલિકાના જ વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ આખે આખા ખેલના કેન્દ્રમાં મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓ અને બિલ્ડરો હોવા છતાં તેઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા આગામી દિવસોમાં નાસિર નગરમાં બાકી રહેલા મકાનો પર પણ ભૂતિયા બુલડોઝર ફરી વળે તેઓ ડર મકાનવાળાઓને સતાવી રહ્યો છે કે બાકી રહેલા મકાનો પર બુલડોઝર ન ફરી વળે તે માટે સ્ટે માટેની રજૂઆત કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનિય છે કે વિવાદિત ડિમોલિશન સમયે કેમેરામાં કેદ થયેલા અધિકારીઓની હાજરી સ્પષ્ટ પણે દેખાતી હોવા છતાં કોઈ અગમ્ય કારણોસર શાસકો દ્વારા અધિકારીઓ વિરુધ્ધ કાર્યવાહી કરવાને બદલે વિવાદ પર પડદો પાડવાનો ખેલ ખેલાઈ રહ્યો છે. એ કેટલું ખેદજનક કહેવાય?
નાસિરનગર ના ભૂતિયા ડિમોલિશનના ૧૦ દિવસ પસાર થયા છે છતાં સુરત મ.ન.પાના કે પોલીસના ઉચ્ચ અધિકારીએ સ્થળની મુલાકાત લેવાનું પણ મુનાસિબ સમજેલ નથી. અને સુરત મહાનગરપાલિકાએ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડેલ નથી. આ ડિમોલિશન પૂર્વ મંજૂરી વગર થયું છે ત્યારે આ કાર્યમાં ભાગ લેનાર તમામ કર્મચારીઓ અધિકારીઓ અને પોલીસના કર્મચારી/અધિકારીઓની સામે તાત્કાલિક પગલાં ભરવા વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર ધ્વારા માંગણી કરાય છે. કોઈ કર્મચારી/ અધિકારી સત્તાનો દૂર ઉપયોગ કરી નાસિરનગરના ૧૫૦-૨૦૦ મકાનોનું ભૂતિયા ડિમોલિશન જેવા બનાવ ફરીવાર સર્જાય નહીં તે માટે મ.ન.પા ના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારી/કર્મચારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવા તેમજ નાસિરનગર ના જે લોકો બેઘર થયા છે તે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા વિકાસ ગ્રાહક સુરક્ષા અને સંશોધન કેન્દ્ર ધ્વારા સુરત કલેક્ટર, સુરત
મ્યુ.કમિશ્નર તેમજ સુરત પોલીસ કમિશ્નરને લેખિત ફરિયાદ તા.૦૯/૦૬/૨૦૨૬ ના રોજ કરેલ છે.



