
રાજકોટ મનપાની વેરા વસૂલાતની ઝુંબેશ.એક જ દિવસમાં ૩૮૦ મિલકતો સીલ અને રૂ. ૪ કરોડની આવક.રાજકોટ મનપા તંત્રએ આ કડક કાર્યવાહી કરી નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ કોઈ પણ વચેટિયાનો સંપર્ક કર્યા વગર સીધો જ વેરો ભરે.હાલ માર્ચ મહિનો નજીક આવતા જ રાજકોટ મહાનગરપાલિકા (RMC) એક્શન મોડમાં આવી છે. મનપાના ટેક્સ વિભાગ દ્વારા બાકી વેરો વસૂલવા માટે મિલકતો સીલ કરવાની અને જપ્તીની કાર્યવાહી પૂરજાેશમાં હાથ ધરવામાં આવી છે. ત્યારે માત્ર ગતરોજ (૧૫મી જાન્યુઆરીએ) માત્ર એક જ દિવસમાં તંત્ર દ્વારા રૂ. ૪ કરોડની વસૂલાત કરવામાં આવી છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર ૩૮૦ મિલકતોને સીલ મારી દેવામાં આવી હોવાની માહિતી હાલમાં ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણીએ આપી છે.
આ અંગે ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણીએ વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં રાજકોટ મહાનગરપાલિકાને અત્યાર સુધીમાં રૂ. ૩૨૫ કરોડની વેરા આવક થઈ છે. આટલું જ નહીં, હજુ પણ રૂ. ૧૭૨ કરોડની વસૂલાત બાકી છે, જે માર્ચના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે. નોંધનીય છે કે માત્ર સામાન્ય જનતા જ નહીં, પરંતુ રાજકોટની વિવિધ સરકારી કચેરીઓનો પણ રૂ. ૨૦ કરોડ જેટલો વેરો બાકી છે.
આ મામલે ડેપ્યુટી કમિશનરે સ્પષ્ટતા કરી હતી કે, “અગાઉ એવી માન્યતા હતી કે સરકારી કચેરીઓએ વેરો ભરવો પડતો નથી, પરંતુ વિવિધ ન્યાયિક ચુકાદાઓ બાદ હવે સ્પષ્ટ છે કે સરકારી કચેરીઓએ પણ ફરજિયાત વેરો ભરવો પડશે. અમને આશા છે કે માર્ચ સુધીમાં આ આવક પણ થઈ જશે.”
રાજકોટ મનપા તંત્રએ આ કડક કાર્યવાહી કરી નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ કોઈ પણ વચેટિયાનો સંપર્ક કર્યા વગર સીધો જ વેરો ભરે. આ માટે નાગરિકો RMC ની વેબસાઈટ પર જઈને પોતાનો બાકી વેરો ચેક કરી શકે છે. RMC ની વેબસાઈટ પર જે નાગરિકોનો મોબાઈલ નંબર રજીસ્ટર હોય છે તેઓને સમયાંતરે પાલિકા તરફથી જરૂરી અપડેટ્સ મળતી રહે છે. જ્યારે હાઈરાઈઝ બિલ્ડિંગમાં ફ્લેટ ધારકો વ્યક્તિગત વેરો ભરી દે છે પરંતુ ઘણીવાર સમૂહમાં ભરવાનો પાણી વેરો બાકી રહી જાય છે, જે સાથે મળીને ભરી દેવા સૂચના અપાઈ છે. વધુમાં જાે વોર્ડ ઓફિસમાં કોઈ પ્રશ્નનું નિવારણ ન આવે, તો નાગરિકો સીધો ડેપ્યુટી કમિશનરનો સંપર્ક કરી શકે છે, તેવું પણ ડેપ્યુટી કમિશનર સી. કે. નંદાણીએ ઉમેર્યું હતું.
નોંધનીય છે કે, રાજકોટ પાલિકા તંત્રની આ કાર્યવાહી અંગે વિપક્ષી નેતાઓ અને વેપારી આગેવાનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તંત્ર નોટિસ આપ્યા વગર જ સીલિંગની કાર્યવાહી કરે છે. ત્યારે આ બાબતે પણ ડેપ્યુટી કમિશનર નંદાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મનપા કાયદાકીય પ્રક્રિયાને અનુસરે છે અને જપ્તીની નોટિસ આપ્યા વગર કોઈ પણ મિલકત સીલ કરવામાં આવતી નથી.




