
(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં ગાજેલા સુરતના નાસિર નગરના ભૂતિયા ડિમોલિશનની તપાસ જ્યારે મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે.જેમાં ડેપ્યુ.મ્યુ. કમિશનર મીના ગજ્જરની અધ્યક્ષતામાં રચવામાં આવેલી આ સમિતિ દ્વારા હવે સમગ્ર પ્રકરણમાં તબક્કાવાર વિવિધ પાસાઓ અંગેની તપાસ કરવામાં આવ્યા બાદ અહેવાલ તૈયાર કરવામાં આવશે. અને અહેવાલના આધારે જ વિવાદાસ્પદ ડિમોલિશન પ્રકરણમાં અધિકારીઓની જવાબદારી નક્કી થશે.
આ તપાસ સમિતિમાં મીના ગજ્જર સહિત ડેપ્યુ.મ્યુનિસિપલ કમિશનર મનીષ ડોક્ટર, એડિશનલ સિટી ઈજનેર મહેશ ચાવડા અને કાર્યપાલક ઇજનેર કે.એલ વસાવા, આર ડી. ગાંજાવાલા અને ડેપ્યુ. ઈજનેર મોહસીન કાગજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં જરૂરી પુરાવાઓથી લઈને તમામ પાસાઓ તપાસી અંતિમ અહેવાલ મ્યુ.કમિશનરને સોંપવામાં આવશે.
આમ સુરત મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને શાસકો માટે સિરદર્દ સમાન સાબિત થઈ રહેલું નાસિર નગરના ભૂતિયા ડિમોલિશન પ્રકરણમાં હવે ધારાસભ્ય વિનુ મોરડીયા ખુલીને સામે આવ્યા છે. હવે વિનુ મોરડીયા ધ્વારા મહાનગરપાલિકાની તપાસ સમિતિ અંગે પણ શંકા-કુશંકા વ્યક્ત કરી છે. તેઓએ મહાનગરપાલિકાના જ અધિકારીઓ પોતાના સહકર્મીઓ વિરુધ્ધ નિષ્પક્ષ તપાસ કરી શકે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ ચિન્હ લગાવ્યા છે. તેઓએ (વિનુભાઈ) એ વધુમાં જણાવ્યું હતું કે, આ સમગ્ર પ્રકરણમાં સચિવ કક્ષાના અધિકારી દ્વારા સમગ્ર પ્રકરણની તપાસ કરવામાં આવે અને જવાબદાર અધિકારીઓ વિરુધ્ધ ફોજદારી ગુનો નોંધાવવો જોઈએ. આમ છેલ્લા દસ દિવસથી આ ૧૫૦ જેટલા કાચા-પાકા મકાનોના ડિમોલેશનનો મામલો જ્યારે ચર્ચાસ્પદ બન્યો છે ત્યારે તપાસ સમિતિ ઉપર પણ સવાલોની ઉઠતી ચર્ચાઓ પણ એટલી જ સમસ્યા પેદા કરી રહી છે.
ત્યારે હવે ખુદ ભાજપનાં જ ધારાસભ્ય દ્વારા મહાનગરપાલિકાની તપાસ સમિતિ અંગે વિરોધ કરવાની સાથે-સાથે આગામી સમયમાં ગાંધીનગર સુધીમાં પણ આ અંગે રજૂઆત કરવા જણાવીને સમગ્ર પ્રકરણના કસુરદારો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવે તેવી પણ માંગ વિનુ મોરડિયાએ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સુરત એરપોર્ટની આજુબાજુનાં ચોક્કસ કિલોમીટરનાં વિસ્તારમાં હાઈરાઈઝ બિલ્ડીંગો ઊભા કરવા એ ગુનો બને છે. એવા ઊભા થઈ ગયેલા બિલ્ડીંગોને તોડી પાડવા અંગે નોટિસ આપવા છતાં કોર્ટ મેટરને લઈને એ બિલ્ડીંગો આજે પણ અડીખમ ઊભા રહીને એરપોર્ટ પર આવતા વિમાનો માટે જોખમ રૂપ બનેલા છે.ત્યારે જો હાઈરાઇઝ બિલ્ડીંગોને નોટિસો અપાતી હોય તો નાસિર નગર જેવા ગરીબ માણસોનાં ૧૫૦ જેટલા કાચા-પાકા મકાનો વગર નોટિસે કેવી રીતે તોડી પડાયા? આ સવાલ આજે પણ શહેરીજનોનાં મગજમાં ગુંજી રહ્યો છે.



