
આમ આદમી પાર્ટીના છાત્ર વિંગ સંગઠન ASAP ના પ્રદેશ પ્રમુખ ધાર્મિક માથુકિયાએ એક વીડિયોના માધ્યમથી અત્યંત ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં વારંવાર પેપર લીક થતા હોય છે અને હવે વધુ એક વાર પેપર લીક થયું. ગુજરાત સરકારે પેપર લીક કરવામાં રેકોર્ડ સ્થાપી દીધો છે. હાલમાં ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીનું ત્રીજા વર્ષનું પેપર લીક થયું છે. નીટનું પેપર લીક થયું ત્યારે સમગ્ર દેશના યુવાનોએ રસ્તા પર ઉતરીને શિક્ષણ મંત્રીનું રાજીનામું લીધું. તેમ છતાં પણ હજુ સુધી આ સરકાર એમાંથી સબક લેતી નથી. ગુજરાતની સરકાર પેપર લીકમાં માહેર બની ગઈ છે. કારણ કે આ લોકોએ આ વખતે પેપર લીક કરવાની પદ્ધતિ જ બદલી નાખી.
વધુમાં આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા ધાર્મિક માથુકિયાએ જણાવ્યું હતું કે, જેમ આપણે મોસ્ટ IMP લખીને સવાલો વાંચતા હોઈએ છીએ, એ રીતે મોસ્ટ IMP લખીને વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર પહોંચાડવામાં આવ્યા હતા. 12 મોસ્ટ IMP પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો પરીક્ષામાં પુછાયા હતા, આ કોઈ સામાન્ય બાબત નથી. તો આ રીતે સરકાર અને સરકારના મળતીયાઓએ એક નવી ટેકનિક અપનાવી છે અને આ નવી ટેકનીકથી પેપર લીક થઈ રહ્યા છે. તો ગુજરાતના યુવાનો અને ખાસ કરીને ગુજરાતના GenZ ને હું કહેવા માગું છું કે હવે ફક્ત દોઢ વર્ષ સહન કરવાનું છે કારણ કે 2027માં આમ આદમી પાર્ટીને મત આપીને પોતાની તાકાત બતાવીને પેપર લીક કરનારી સરકારને આપણે લીક કરી નાખવાની છે. આ વાત કોઈને કહેતા નહીં પરંતુ અંદરો અંદર સમજી લેજો, 2027માં વિધાનસભામાં આપણે આખી સરકારને લીક કરી નાખવાની છે.




