
ભાવનગર જિલ્લાના હણોલ ગામની મુલાકાત દરમિયાન રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ સરકારી પ્રાથમિક શાળામાં સાદગીપૂર્ણ રાત્રી રોકાણ કરીને સાદગી, સંવેદનશીલતા અને ગ્રામ્ય જીવન પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આજે વહેલી સવારે રાજ્યપાલશ્રી હણોલના ગ્રામજનો સાથે પ્રભાત ફેરીમાં જોડાયા હતા તેમજ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જાતે ઝાડૂ લઈ સફાઈ કરી સ્વચ્છતા અંગે જનજાગૃતિનો સંદેશ આપ્યો હતો.

રાજ્યપાલશ્રીએ “એક પેડ માં કે નામ” અભિયાન હેઠળ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ દર્શાવ્યું હતું. આ સાથે ગાયને દોહી ગૌસેવા પ્રત્યેની પોતાની ભાવના વ્યક્ત કરી હતી, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રેરણા મળે. ફિટ ઇન્ડિયા અભિયાન અંતર્ગત સાયકલ રેલીનું પ્રસ્થાન કરાવી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાનો સંદેશ પણ આપ્યો હતો.
પ્રાકૃતિક ખેતી કરતાં પાલીતાણા તાલુકાના નવાગામના ખેડૂત શ્રી ઘનશ્યામભાઈ ધામેલીયાના ફાર્મની મુલાકાત લઈ રાજ્યપાલશ્રીએ ખેડૂતો, કૃષિ સખીઓ તથા માસ્ટર ટ્રેનરો સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, જીવામૃત છાંયડા અથવા વૃક્ષની નીચે બનાવવામાં આવે તો તેમાં રહેલા બેક્ટેરિયા વધુ સમય સુધી સક્રિય રહે છે. પ્રાકૃતિક ખેતી સૂક્ષ્મ જીવાણુંઓની ખેતી છે. તેમણે ઉદાહરણ સાથે સમજાવ્યું કે જંગલમાં કોણ યુરિયા ખાતર નાખે છે? છતાં ત્યાં વૃક્ષો લીલાછમ રહે છે.
રાજ્યપાલશ્રીએ ખેડૂતોને થોડી-થોડી શરૂઆત કરીને પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર કરવા, મનથી અને ઈમાનદારીપૂર્વક ખેતી કરવા આહ્વાન કર્યું હતું. મલ્ચિંગ અને મલ્ટીક્રોપ પદ્ધતિ અપનાવી એક સાથે એકથી વધુ પાક લેવાની સલાહ આપી હતી. તેમજ પ્રાકૃતિક ખેતીમાં અગ્નિઅસ્ત્ર, નીમાસ્ત્ર અને ખાટી છાશના ઉપયોગ પર વિશેષ ભાર મૂક્યો હતો.
પ્રાકૃતિક ખેતી અંગે ખેડૂતો સાથે સંવાદ કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતીની શરૂઆતમાં એક એકર જમીનમાં ઓછામાં ઓછું બે ટન ઘન જીવામૃત આપવું અત્યંત જરૂરી છે. તેનાથી ઉત્પાદન ઘટતું નથી પરંતુ વધે છે અને બંજર જમીન પણ ફળદ્રુપ બને છે. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધે છે અને જમીન લાંબા સમય સુધી જીવંત રહે છે, તેમ તેમણે જણાવ્યું હતું.
હરિયાણામાં સામાન્ય રીતે કેળાની ખેતી ન થતી હોવા છતાં, ચોખાના ઓસામણના પ્રયોગથી ત્યાં કેળાની સફળ ખેતી થતી હોવાનો ઉલ્લેખ કરીને તેમણે પંચસ્તરીય પ્રાકૃતિક ખેતીને અત્યંત અસરકારક ગણાવી હતી. આજે ગુજરાતમાં સેંકડો ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્તમ આવક મેળવી રહ્યા છે, તેમ રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું.
રાજ્યપાલશ્રીએ તાલુકા કક્ષાએ પ્રાકૃતિક ખેતીના ખેત ઉત્પાદનોના વેચાણ માટે અલગ બજાર વ્યવસ્થા ઊભી કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આવનારી પેઢીની તંદુરસ્તી માટે પ્રાકૃતિક ખેતી અનિવાર્ય હોવાનું જણાવી, સતત ત્રણ વર્ષ સુધી પ્રાકૃતિક ખેતી કરનાર ખેડૂતોને સરકાર તરફથી વિશેષ સહાય આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. “ભવિષ્ય પ્રાકૃતિક ખેતીનું છે,” એમ કહી તેમણે ખેડૂતોને ઈમાનદારીપૂર્વક પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી ડૉ. મનસુખભાઈ માંડવીયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હનુલ ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી રિઝવાન ઘાંચી, આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી જે. એન. પરમાર તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.




