
(છગનલાલ મેવાડા દ્વારા) સુરત.
એક તરફ ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાં પોતાનો અવરોધ લાગુ કર્યો છે જ્યારે બીજી તરફ, અમેરિકાએ સમગ્ર પ્રદેશમાં નાકાબંધી લાદી છે. ભારત અથવા અન્ય દેશોના વાણિજિયક જહાજો અને નાગરિક માળખાગત સુવિધાઓને કેમ નિશાન બનાવવામાં આવી રહ્યા છે? હોર્મુઝની સામુદ્રધુની અને અન્ય દરિયાઈ માર્ગો દ્વારા અવરોધ વિનાની હિલચાલ પુનઃસ્થાપિત કરવી મહત્વપૂર્ણ છે.
કારણ કે વર્તમાન વિક્ષેપોએ અનેક દેશોની ઉર્જા અને તેલ પુરવઠા પર ગંભીર અસર કરી છે. જેના કારણે લોકોના જીવન પર વ્યાપક સ્તરે પ્રતિકૂળ અસર પડી છે. મોટી તકલીફ એ છે કે યુદ્ધ વચ્ચે પણ વાણિજિયક જહાજો માટે સલામત માર્ગ સુનિશ્ચિત થવો જોઈતો હતો. પરંતુ આ જહાજો કોઈપણ વાજબી કારણ વગર હુમલાઓનો ભોગ બની રહ્યા છે ત્યારે પ્રશ્ન એ ઉભો થાય છે કે વર્ચસ્વ માટેની આ લડાઈમાં શું આંતરરાષ્ટ્રીય કાયદાઓની અમેરિકાની નજરમાં કોઈ કિંમત જ નથી? અમેરિકા જો ભાન ભૂલી ગયુ હોય તો ભારત જેવા દેશોએ તેને વધુ સખ્તાઈ સાથે ભાન કરાવવું જ રહ્યું.
અમેરિકાએ કોઈ નક્કર કારણ કે ઉશ્કેરણી વિના હુમલાઓ શરૂ કર્યા. એવું લાગે છે કે અમેરિકા માટે તેના બેજવાબદાર વલણ અને હઠીલા પણાના પરિણામો અંગે ચિંતન કરવાનો સમય આવી ગયો છે. હુમલાના પરિણામે ખલાસીઓના મૃત્યુ બાદ ભારતે અમેરિકી દૂતવાસના ચાર્જ “ડી”અફેર્સને બોલાવીને કડક વિરોધ નોંધાવ્યો તે કારણ વગર નથી.
મધ્યપૂર્વમાં અસ્થિર સુરક્ષા પરિસ્થિતિ પર ઊંડી ચિંતા વ્યકત કરતા વિદેશ મંત્રાલયે સમુદ્રમાં વાણિજિયક જહાજો પરના હુમલાઓને ભૂ-રાજકીય દુશ્મનાવટને આભારી ગણાવ્યા. ત્યારે અમેરિકાએ તાજેતરમાં જે બેદરકારી અને મનસ્વીતા દર્શાવી છે તે શાંતિની પુનઃસ્થાપના માટે ચિંતાનો અભાવ સૂચવે છે.



